Deesa-Surat Volvo Bus: બનાસકાંઠા જિલ્લામાં પરિવહન સુવિધાઓને વધુ આધુનિક અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
ડીસા અને સુરત વચ્ચે નાગરિકોને આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરી મળી રહે તે હેતુસર નવીન અત્યાધુનિક ‘હાઈટેક વોલ્વો બસ’ સેવાનું લોકાર્પણ આજે ડીસા બસ સ્ટેશન ખાતેથી રાજ્યમંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહ બાદ બસનું પ્રસ્થાન બપોરે 12:30 કલાકે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો
ઉત્તર ગુજરાતમાં ડીસાથી સૌ પ્રથમ હાઈટેક વૉલ્વો બસની શરૂઆત
આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર નાગરિકોની સુખાકારી અને આધુનિક જનસુવિધાઓ માટે સતત કાર્યરત છે. ડીસા અને બનાસકાંઠા વિસ્તારના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે શરૂ કરાયેલ આ નવીન બસ સેવા પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે. ડીસા અને બનાસકાંઠાના નાગરિકો આ અત્યાધુનિક બસ સેવાનો મહત્તમ લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
આ નવીન બસ સેવા થકી ડીસાથી સુરત સુધીની લાંબી યાત્રા હવે વધુ સુવિધાજનક, સુરક્ષિત અને આરામદાયક બનશે. આ બસ દરરોજ ડીસાથી બપોરે 12:30 કલાકે સુરત માટે રવાના થશે, જ્યારે સુરતથી દરરોજ સવારે 6 કલાકે ડીસા માટે પ્રસ્થાન કરશે.
જ્યારે આ બસનો રૂટ ડીસા-પાલનપુર-સિદ્ધપુર હાઈવે-ઊંઝા-મહેસાણા મોઢેરા-રાણીપ-અમદાવાદ-સી.ટી.એમ-વડોદરા-અંકલેશ્વર GIDCથી સુરત સુધીનો રહેશે. જેથી મુસાફરોને સરળ અને ઝડપી પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે.
નવીન હાઈટેક વોલ્વો બસમાં નાગરિકોની સલામતી અને આરામને પ્રાથમિકતા આપતી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બસમાં 47 સીટર ક્ષમતા સાથે 2×2 લેધર પુશબેક સીટ, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, ફાયર સેફ્ટી સ્પ્રિંકલ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, LED ટીવી, એક્ઝોસ્ટ ફેન હેચ તેમજ ઈમર્જન્સી એક્ઝિટ જેવી અદ્યતન વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ મુસાફરોને સુરક્ષિત અને આનંદદાયક પ્રવાસનો અનુભવ કરાવશે.
