Patan | Gujarat Rain Data: બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે. જેના પગલે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં આગામી 8 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યા છે. એવામાં આજે સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા વરસી છે. ગઈકાલે અરવલ્લી જિલ્લા બાદ આજે મેઘરાજા પાટણ અને સાબરકાંઠા જિલ્લા પર ઓળઘોળ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
પાટણ જિલ્લામાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, આજે આખા દિવસ દરમિયાન સૌથી વધુ 58 મિ.મી (2.28 ઈંચ) વરસાદ રાધનપુર તાલુકામાં ખાબક્યો છે. જ્યારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીના છેલ્લા બે કલાક દરમિયાન પાટણ શહેરમાં સૌથી વધુ 44 મિ.મી (1.7 ઈંચ), સાંતલપુરમાં 36 મિ.મી (1.4 ઈંચ), રાધનપુરમાં 29 મિ.મી (1.14 ઈંચ) વરસાદ વરસ્યો છે.
પાટણ શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. જો કે બે વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પોણા 2 ઈંચ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને શહેરના પારેવા સર્કલ, રેલવે ગરનાણા અને બીએમ હાઈસ્કૂલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
177 તાલુકામાં મેઘમહેરઃ વલસાડના કપરાડામાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 177 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 168 મિ.મી (6.6 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય બોટાદમાં 89 મિ.મી (3.5 ઈંચ), રાજકોટના પડધરીમાં 80 મિ.મી (3.15 ઈંચ), સાબરકાંઠાના તલોદમાં 76 મિ.મી (2.9 ઈંચ), પોશીનામાં 72 મિ.મી (2.8 ઈંચ), પ્રાંતિજમાં 69 મિ.મી (2.7 ઈંચ) અને રાજકોટમાં જામકંડોરણામાં 72 મિ.મી (2.8 ઈંચ) વરસાદ વરસ્યો છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ, 12 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 4 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.