Patan News: પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર દ્વારા જિલ્લાના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઇ હતી.
પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પ્રવાસન સમિતિની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત, મંજૂર કરવામાં આવેલ કામોની પ્રગતિની સમીક્ષા, સિધ્ધપુર તીર્થક્ષેત્રમાં આવેલ વિવિધ મંદિરોના વિકાસની કામગીરી (સિધ્ધપુર તીર્થક્ષેત્રનો સર્વાંગી વિકાસ), બિંદુ સરોવર, શ્રી સિદ્ધનાથ મહાદેવ અને શ્રી વટેશ્વર મહાદેવ ખાતે જાળવણી અને મરામતની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મીટીંગમાં મંજુર કરેલ કામોની વિગત, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ખાતે મોકલી આપેલ દરખાસ્તને બહાલી આપવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય અને પદાધિકારીઓની રજૂઆતોને અગ્રતા આપી અને યાત્રાધામોનો વિકાસ કરવા સુવિધાઓમાં વધારો થાય તે માટે નિયમોને આધિન વિકાસના કામો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વ દિનેશ ઠાકોર, કિરીટ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ સહિત પ્રવાસન વિભાગના અધિકારીઓ તેમજ પ્રવાસન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.