Pavagadh Navratri 2026: યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી દિવસોમાં યોજાનારા તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ ઉમટી પડે તેવી પ્રબળ સંભાવના છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિકનું સુચારુ સંચાલન જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે તારીખ 11 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર, 2026 સુધી સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે.
આ પણ વાંચો
ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અને રૂટમાં ફેરફાર
બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, પાવાગઢની તળેટીથી માંચી તરફ જતા તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલોલ ટીમબી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, ઠીકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડી પરથી પાવાગઢ તરફ આવતા ભારે વાહનોના પ્રવેશ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
રોડ પર ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે બોડેલીથી હાલોલ અને હાલોલથી બોડેલી તરફ આવતા-જતા વાહનોને બાયપાસ માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. માંચી અને પાવાગઢ દર્શન અર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓએ પોતાના વાહનો સાથે 'વડા તળાવ ચોકડી' થઈને જ પાવાગઢ વિસ્તારમાં પ્રવેશ કરવાનો રહેશે.
માંચી વિસ્તાર અને દૂધીયા તળાવ સુધીના કડક નિયમો
યાત્રાળુઓની સુરક્ષા અને સુરક્ષિત અવરજવર માટે માંચી એસ.ટી. સ્ટેન્ડ તથા માંચી ચોક વિસ્તારમાં ખાનગી વાહનોનું પાર્કિંગ કરવા પર મનાઈ ફરમાવાઈ છે. સાથોસાથ, સાધન-સામગ્રી કે ચીજવસ્તુઓના વહન માટે કોઈપણ વાહન કે પશુઓનો ઉપયોગ કરી શકાશે નહીં. માંચીથી દૂધીયા તળાવ તરફના માર્ગ પર પશુઓને દોરી જવા પર પણ સંપૂર્ણ બંધી મૂકવામાં આવી છે.
આવશ્યક સેવાઓને મુક્તિ અને કાયદાકીય કાર્યવાહી
જનજીવન અને તાત્કાલિક સેવાઓ પ્રભાવિત ન થાય તે માટે સરકારી ફરજ પરના વાહનો, એસ.ટી. નિગમની બસો, પીવાના પાણીના ટેન્કરો, એમ્બ્યુલન્સ/આરોગ્ય સેવાઓ તથા આવશ્યક ચીજવસ્તુ પહોંચાડતા વાહનોને આ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
અન્ય કોઈ અનિવાર્ય સંજોગોમાં પાવાગઢ તરફ વાહન લઈ જવા માટે હાલોલના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા મામલતદારની આગોતરી મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
