Panchmahal News: પંચમહાલ જિલ્લા પોલીસે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને વાવેતર સામે અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક કાર્યવાહી કરી છે. ગોધરા તાલુકાના કંકુથાભલા ગામના આંબલી ફળિયામાં આવેલા એક ખેતરમાં છુપી રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના 502 છોડ સાથે ચાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જિલ્લાના ઇતિહાસમાં આટલા મોટા જથ્થામાં ગાંજાનું વાવેતર ઝડપાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.
પોલીસ દ્વારા કંકુથાભલા ગામમાં દરોડો પાડવામાં આવ્યો
આ પણ વાંચો
‘નાર્કોટીક્સ એન્ડ ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન’ તથા એન.ડી.પી.એસ. (NDPS) નાબૂદી અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એન્ટી નાર્કોટીક્સ વિંગ (ANW) ના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈની સૂચના મુજબ, પોલીસ સ્ટાફ ગોધરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે બે સરકારી પંચોને સાથે રાખી કંકુથાભલા ગામના આંબલી ફળિયામાં આવેલી કબજા ભોગવટાની જમીન પર ઓચિંતી તપાસ (ઝડતી) હાથ ધરી હતી.
ગાંજાના 502 લીલા છોડ મળી આવ્યા
તપાસ દરમિયાન ખેતરમાંથી ગાંજાના કુલ 502 લીલા છોડ મળી આવ્યા હતા, જેને જોઈને પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. જપ્ત કરવામાં આવેલા આ તમામ છોડનું કુલ વજન 924.010 કિલોગ્રામ નોંધાયું છે. બજારમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 50 હજારની કિંમત મુજબ, આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ. 4,62,00,500 (ચાર કરોડ બાસઠ લાખ પાંચસો રૂપિયા) આંકવામાં આવી છે.
પંચમહાલ પોલીસ અને એન્ટી નાર્કોટીક્સ વિંગની સંયુક્ત ટીમે સ્થળ પરથી જ આ ગેરકાયદેસર વાવેતરમાં સંડોવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં પ્રભાતભાઈ રાયસિંહ બારીઆ, ગુલાબસિંહ બળવંતભાઈ બારીઆ, સોનાભાઈ રાયસીંગ બારીઆ અને કમળાબેન દિવાનભાઈ બારીઆનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ કંકુથાભલા ગામના આંબલી ફળિયાના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
હાલ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગાંજાનું વાવેતર ક્યારથી કરવામાં આવતું હતું અને આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ અને પૂછપરછ તેજ કરી છે.
