ગોધરામાં MGVCLનું મોટું ઓપરેશન: 45 ટીમોના દરોડામાં રૂ. 1.05 કરોડની વીજ ચોરી પકડાઈ, 70 ગ્રાહકોને દંડ

મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ની 45 ટીમોએ ગોધરાના વિવિધ વિસ્તારોમાં 1281 કનેક્શન તપાસ્યા. 70 સ્થળોએ ગેરરીતિ મળતા રૂ. 1.05 કરોડનો દંડ ફટકારાયો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 26 Nov 2026 11:27 PM (IST)Updated: Thu, 26 Nov 2026 11:27 PM (IST)
mgvcl-godhra-raid-rs-1-cr-electricity-theft-uncovered

Godhra MGVCL Raid: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ગેરકાયદેસર વીજ જોડાણો અને વીજ ચોરી પર લગામ કસવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વિજિલન્સ અને ચેકિંગ ટીમોએ સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન 45 જેટલી ટીમોએ સઘન તપાસ કરીને 70 વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપી પાડી છે અને અંદાજે રૂ. 1.05 કરોડની વીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે.

પૂર્વ અને પશ્ચિમ ગોધરાના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં દરોડા

વહેલી સવારથી જ MGVCLની 45 ટીમોએ ગોધરાના વિવિધ રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ધામા નાખીને વીજ મીટરોની ચકાસણી શરૂ કરી હતી. આ તપાસ અભિયાનમાં સોનીવાડ, ખાદી ફળિયા, શહેરા ભાગોળ, પટેલવાડા, ગેની પ્લોટ, ભિલોડીયા પ્લોટ, હમીરપુર રોડ અને ચેતનદાસ પ્લોટ સહિતના વિસ્તારોમાં દરેક કનેક્શનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંવેદનશીલ વિસ્તારો અને સોસાયટીઓમાં પણ સઘન ચેકિંગ

આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો જેવા કે મક્કી મસ્જિદ, નુસરત મસ્જિદ, અબ્દુલ્લા મસ્જિદ અને ઇમરાન મસ્જિદની આસપાસના વિસ્તારોમાં પણ વીજ ટીમો ત્રાટકી હતી. સાથે જ મીઠીખાણ મહોલ્લા, કડિયાવાડ, શિકારી મહોલ્લા, મોહમદી મહોલ્લા, ગુહ્યા મહોલ્લા અને ઈદગાહ મહોલ્લામાં પણ તપાસ કરાઈ હતી. વધુમાં, મદીના સોસાયટી, પોલન બજાર, વાલી ફળિયા (1, 2, 3), સિંગલ ફળિયા, અલી પાર્ક, નાગાતળાવડી, ઝકરિયા સ્કૂલ અને જુહુરપુરા વિસ્તારમાં પણ ગેરકાયદેસર જોડાણો શોધી કાઢવામાં આવ્યા હતા.

1281 કનેક્શનની તપાસ: લંગરિયા અને મીટર ચેડાં ઝડપાયા

આ સમગ્ર મેગા ડ્રાઇવ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે કુલ 1,281 વીજ કનેક્શનનું ચેકિંગ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે 70 જેટલા ગ્રાહકો દ્વારા થાંભલા પરથી ડાયરેક્ટ લંગરિયા નાખીને, મીટર સાથે ચેડાં કરીને કે બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવી રહી હતી. વીજ કંપનીએ આ તમામ 70 ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને અંદાજે રૂ. 1.05 કરોડના દંડનીય પુરવણી બિલો ફટકારવાની પ્રક્રિયા શરૂ કરી છે.

વીજ લોસ ઘટાડવા આગામી દિવસોમાં પણ ઝુંબેશ યથાવત રહેશે

MGVCLની આ ઓચિંતી અને કડક કાર્યવાહીને પગલે સમગ્ર ગોધરા શહેરમાં વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વીજ કંપનીના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ, નિયમિત બિલ ભરતા પ્રામાણિક ગ્રાહકોને પૂરતો વીજ પુરવઠો મળી રહે અને ટેકનિકલ તથા કોમર્શિયલ વીજ લોસ ઘટાડી શકાય તે હેતુથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.