Vadodara: શેરખી નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા, બેના ડૂબી જવાથી મોત

વડોદરા નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે અન્ય બેને બચાવી લેવાયા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 07 Oct 2026 10:26 PM (IST)Updated: Wed, 07 Oct 2026 10:26 PM (IST)
vadodara-narmada-canal-tragedy-4-students-drown-while-bathing-2-confirmed-dead

Vadodara: વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલોમાં નહાવા જવાનું જોખમ ઘણીવાર જીવલેણ સાબિત થતું હોય છે, ત્યારે શેરખી-ભીમપુરા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. જે પૈકી બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ટેક્નિકલ ઈન્સ્ટીટ્યૂટમાં સાથે અભ્યાસ કરતાં 4 વિદ્યાર્થીઓ આજે બપોરના સમયે પોત-પોતાના વાહનો લઈને શેરખી-ભીમપુરા નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા. જ્યાં ચારેય મિત્રો નહાવા માટે કેનાલમાં પડ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં તેઓ તણાવા લાગ્યા હતા.

આ ઘટનાને પગલે સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બે વિદ્યાર્થીઓને પાણીમાંથી સહીસલામત બહાર કાઢી લીધા હતા. જો કે બે યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. જ્યાં કેનાલના કિનારેથી યુવકોના કપડા અને ટુ-વ્હીલરો મળી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે કેનાલમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતુ, જેમાં બન્ને વિદ્યાર્થીઓના માત્ર મૃતદેહો જ હાથ લાગ્યા હતા. ફાયર બ્રિગેડે બન્ને મૃતદેહો વડોદરા તાલુકા પોલીસને સોંપ્યા હતા.

શ્રીજી બાલાજી ઇલેક્ટ્રિકમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત

વડોદરામાં આવેલ શ્રીજી બાલાજી ઇલેક્ટ્રિકમાં ફરજ બજાવતો મનહરદાસ (40) આજે કામ કરી રહ્યો હતો, ત્યારે વાયરિંગની ક્ષતિના કારણે તેને કરંટ લાગ્યો હતો. જેના પગલે યુવક સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ પ્રિતેશ ચૌહાણ (રહે. આંકલાવ) અને આયુષ જાદવ (રહે. માંજલપુર) તરીકે થઈ છે. આ ઘટનાની જાણ થતાં મૃતક વિદ્યાર્થીના પરિવારજનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા, જેમના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતુ. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.