Panchmahal: મધ્ય ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં માલવાહક ગુડસ રોપ વેનો તાર તૂટી જતાં 6 લોકોના મોત થયા છે. બીજી તરફ ભારે પવન ફૂંકાતો હોવાના પગલે શ્રદ્ધાળુઓ માટેની રોપ-વે પણ બંધ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં દુર્ઘટનાગ્રસ્ત રોપ-વેનો ઉપયોગ પાવાગઢના માંચી વિસ્તારથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રીને સરળતાથી પહોંચાડવામાં માટે કરવામાં આવતો હતો. આ દરમિયાન તાર તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ છે. મૃતકોમાં બે લિફ્ટ ઑપરેટર, બે શ્રમિક સહિત અન્ય 2 લોકો મળીને કુલ 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી છે. આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ તેમજ ધારાસભ્ય સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો

આ અંગે પંચમહાલના SP હરેશ દૂધાતે જણાવ્યું કે, માચીથી શાકભાજી, ગેસના સિલિન્ડર સહિતનો સામાન ગુડસ રોપવેની ટ્રોલીમાં પાવાગઢ ડુંગર પર લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન કેબલ તૂટતા ટ્રોલી રોપ-વેના થાંભલા સાથે ધડાકાભેર ભટકાઈને નીચે પટકાઈ હતી. આ સમયે રોપવેની ટ્રોલીમાં સવાર તમામ 6 લોકો મોતને ભેટ્યા છે.
આ પણ વાંચો
આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ અન્નાજી ઉર્ફે ભૈરવલાલ જાટ (રહે. રાજસ્થાન), રોપ વે ઑપરેટર મહોમ્મદ અનવર શરીફખાન અને બળવંતસિંહ ધનીરામ (બન્ને રહે. રાજૌરી, જમ્મુ-કાશ્મીર), મંદિરનો સિક્યુરિટી ગાર્ડ દિલીપસિંહ કોળી (રહે. બોડેલી), હિતેશ બારીયા (રહે.બોડેલી) અને સુરેશ માળી (રહે. પાવાગઢ) તરીકે થઈ છે.
આ દુર્ઘટના બાદ તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં મૃતકના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી છે.