Bhadarvi Poonam 2025: અંબાજીમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, ત્રીજા દિવસે 7.70 લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યાં

3 દિવસ દરમિયાન કુલ 28,446 યાત્રિકોએ ગબ્બર સુધી પહોંચવા માટે રોપવે સેવાનો લાભ લીધો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 03 Sep 2025 09:59 PM (IST)Updated: Wed, 03 Sep 2025 09:59 PM (IST)
banaskantha-news-7-70-lakh-devotees-registerd-on-third-day-of-ambaji-bhadarvi-poonam-2025
HIGHLIGHTS
  • ત્રણ દિવસમાં 14.99 લાખ ભાવિકોએ માતાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું
  • 24 કલાકમાં મંદિરને 500 ગ્રામ ચાંદીની ભેટ મળી

Ambaji Bhadarvi Poonam 2025: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં બે દિવસ પૂર્વે સોમવારથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ શક્તિ-ભક્તિ અને આસ્થાના મિની કુંભમાં દરરોજ લાખો માઈભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અત્યાર સુધી મેળાના ત્રણ દિવસ દરમિયાન 14.99 લાખથી વધુ માઈભક્તોએ માઁ અંબાના ચરણોમાં શીશ ઝૂકાવી ચૂક્યા છે.

ગઈકાલે સાંજે 5 થી આજે સાંજે 5 વાગ્યા સુધી 24 કલાકના સમયગાળા દરમિયાન 7,70,224 જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે. સતત ત્રીજા દિવસે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતાં અંબાજી જતાં રસ્તા પર ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.

આજે ત્રીજા દિવસે ઉડન ખટોલા અર્થાત રોપવેમાં 10,082 યાત્રિકો નોંધાયા છે. આમ 3 દિવસ દરમિયાન કુલ 28,446 યાત્રિકોએ ગબ્બર સુધી પહોંચવા માટે રોપવે સેવાનો લાભ લીધો છે.

naidunia_image

જ્યારે આજે ત્રીજા દિવસે 89,593 જેટલા યાત્રાળુઓએ બસમાં પ્રવાસ કર્યો હતો. જેના માટે કુલ 1091 ટ્રિપો થઈ હતી. મેળાના ત્રીજા દિવસે 690 જેટલા સંઘ અને માઈભક્તોએ ધજારોહણ કરી હતી.

જો પ્રસાદની વાત કરીએ તો, આજે ત્રીજા દિવસે 4,90,939 જેટલા મોહનથાળના પ્રસાદ તેમજ 4909 જેટલા ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ત્રીજા દિવસે 78 હજારથી વધુ ભાવિકોએ ભોજનાલયમાં પ્રસાદ આરોગ્યો હતો. જ્યારે આજે ત્રીજા દિવસે મંદિર ટ્રસ્ટને 500 ગ્રામ ચાંદીની આવક નોંધાઈ છે.