Ambaji Bhadarvi Poonam 2025: બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠમાં ભાદરવી પૂનમના મહામેળાના દિવસો જેમ-જેમ પસાર થઈ રહ્યા છે, તેમ-તેમ અંબાજી ભણી માઈભક્તોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. રાજ્યના ખૂણે-ખૂણેથી પદયાત્રી સંઘો તેમજ વિવિધ માનતાઓ માનેલા માઈભક્તો અંબાજીને સાંકળતા માર્ગો પર ઉમળકાભેર આગળ વધી રહ્યા છે, ત્યારે મેળાના પાંચ દિવસ દરમિયાન 30,01,013 માઈભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
ગઈકાલે સાંજે 5 થી આજે સાંજે 5 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન 7,57,524 ભાવિક ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો છે. મહામેળાના પાંચમા દિવસે ઉડન ખટોલા અર્થાત રોપવેમાં 10,311 યાત્રિકો નોંધાયા છે. આમ 5 દિવસ દરમિયાન કુલ 49,302 યાત્રિકોએ ગબ્બર સુધી પહોંચવા માટે રોપવે સેવાનો લાભ લીધો છે.
જ્યારે આજે પાંચમા દિવસે 1,48,161 જેટલા યાત્રાળુઓએ બસમાં પ્રવાસ કર્યો હતો. જેના માટે કુલ 3286 ટ્રિપો થઈ હતી. મેળાના પાંચમા દિવસે 546 જેટલા સંઘ અને માઈભક્તોએ ધજારોહણ કરી હતી.

જો પ્રસાદની વાત કરીએ તો, આજે પાંચમા દિવસે 3,35,666 જેટલા મોહનથાળના પ્રસાદ તેમજ 5460 જેટલા ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 96 હજારથી વધુ ભાવિકોએ ભોજનાલયમાં પ્રસાદ આરોગ્યો હતો. જ્યારે આજે પાંચમા દિવસે મંદિર ટ્રસ્ટને 18.137 ગ્રામ સોનાની આવક નોંધાઈ છે. આમ પાંચ દિવસ દરમિયાન 7360 ગ્રામ સોનું તેમજ 500 ગ્રામ ચાંદીની આવક થઈ છે.