Bhadarvi Poonam 2025: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ શક્તિ-ભક્તિ અને આસ્થાના મિની કુંભમાં દરરોજ લાખો માઈભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે. મહામેળાના પ્રથમ દિવસે 3.71 લાખથી વધુ ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કર્યા બાદ આજે બીજા દિવસે પણ ભક્તોનું માનવમહેરામણ ઉમટી પડ્યું હતુ.
ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયાના બીજા દિવસે 3,58,239 મળીને આ બે દિવસ દરમિયાન 7,29,450 શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યાં છે.
વહીવટી તંત્ર દ્વારા પણ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માઈભક્તોને કોઈ અગવડ ના પડે, તે માટે વધુ સગવડ ગોઠવામાં આવી છે. આજે બીજા દિવસે ઉડન ખટોલા અર્થાત રોપવેમાં 8410 યાત્રિકો નોંધાયા છે. આમ બે દિવસ દરમિયાન કુલ 18,336 યાત્રિકોએ ગબ્બર સુધી પહોંચવા માટે રોપવે સેવાનો લાભ લીધો છે.

જ્યારે આજે બીજા દિવસે 49,136 જેટલા યાત્રાળુઓએ બસમાં પ્રવાસ કર્યો હતો.જેના માટે કુલ 1091 ટ્રિપો થઈ હતી. મેળાના બીજા દિવસે 270 જેટલા સંઘ અને માઈભક્તોએ ધજારોહણ કરી હતી.
જો પ્રસાદની વાત કરીએ તો, આજે બીજા દિવસે 2,77,750 જેટલા મોહનથાળના પ્રસાદ તેમજ 3712 જેટલા ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ બીજા દિવસે 49 હજારથી વધુ ભાવિકોએ ભોજનાલયમાં પ્રસાદ આરોગ્યો છે.

આવી જ રીતે બીજા દિવસે મંદિરના ભંડારામાં થયેલી આવકની વાત કરીએ તો, બીજા દિવસે 25,99,323ની ભેટ આવી છે. તેમજ આજે 4.860 ગ્રામ સોનાની ભેટ પણ આવી છે.