Ambaji Bhadarvi Poonam 2023: 'બોલ મારી અંબે, જય જય અંબે..' આજથી યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો રંગેચંગે શુભારંભ

સેવા, સ્વચ્છતા અને સલામતી સાથે મેળામાં આધુનિક ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 23 Sep 2023 07:00 AM (IST)Updated: Sat 23 Sep 2023 07:00 AM (IST)
ambaji-bhadarvi-poonam-2023-mela-begins-today-200815

Ambaji Bhadarvi Poonam 2023: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી 29મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલના વરદહસ્તે કરવામાં આવશે. આજથી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહામેળામાં લાખોની સંખ્યામાં માઈભક્તો સંઘો સાથે પગપાળા અંબે માતાના દર્શન કરવા અંબાજી આવશે.

યાત્રાળુઓ, દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી સમિતિઓ બનાવાઈ છે. જેના દ્વારા મેળામાં સેવા, સુવિધા, વિશ્રામ, સલામતી, ભોજન અને આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તેમજ સમગ્ર મેળા પર CCTV કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે.

યાત્રિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 5 વિશાળ વોટરપ્રુફ ડોમમાં 1200 જેટલાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માઇભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિગ સ્થળથી માઈભક્તો 51 શક્તિપીઠ સર્કલ સુધી આવી શકે તે માટે 150 જેટલી રિક્ષાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઇ છે. અંબાજી મંદિર ખાતે અને અલગ અલગ માર્ગ પર સુંદર રંગબેરંગી રોશની કરવામાં આવી છે

મેળામાં આવતા લોકોના આરોગ્યની જાળવણી માટે 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં નિષ્ણાંત તબીબો અને 256 જેટલાં આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ બજાવશે. 11 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે. મેળા દરમિયાન સતત વીજ પૂરવઠો જળવાય, પીવાના પાણી અને પાર્કિગની પુરતી વ્યવસ્થા કરાઇ છે.

આ વર્ષે ભાદરવી પૂનમ મેળામાં કરવામાં આવેલ નવીન પહેલ
આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં કેટલીક નવીન પહેલ કરવામાં આવી છે. મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એક સાથે સંકલિત કરવામાં આવ્યા છે અને એક QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. ગુગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે આ કોડને સ્કેન કરી શકે છે.

અંબાજી મંદિરની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવશે. જેમાં મંદિરમાં દર્શનનો સમય, મંદિરની તમામ સુવિધાઓ અને મંદિરના અપડેટ સરળતાથી મેળવી શકાશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે.

"અંબાજી ઇ-મંદિર" વોટસએપ ચેટબોટ મંદિર દ્વારા ભક્તો માટે તમામ માહિતી, મંદિરની પ્રવૃત્તિઓ અને અપડેટ યુઝરને સીધા મોકલવામાં આવે છે. આ સેવા માટે વોટસએપ ચેટબોટનો નંબર 8799305151 પરથી આ સેવાનો લાભ મેળવી શકાશે.

ભાદરવી પૂનમના મેળા દરમિયાન મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર પદયાત્રીઓ માઇભક્તો માટે અસંખ્ય વ્યવસ્થાઓ કરે છે, આ વખતે સ્થાનિક રિક્ષાવાળાને આ વ્યવસ્થાના ભાગ બનાવી રોજગારી ઊભી કરવાનો નવીન પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ તમામ રીક્ષા ડ્રાઇવર માટે ડ્રેસકોડ નક્કી કરાયો છે. વધુમાં તમામ બાળકો, વૃદ્ધ યાત્રિકોને નો વ્હીકલ ઝોનમા નિશુલ્ક સર્વિસ પૂરી પાડવામાં આવશે.

અંબાજીને હરિયાળું અને સ્વચ્છ બનાવવા પ્લાસ્ટિક ક્રશર મશીનનો ઉપયોગ
આ વખતે મેળામાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાને પાયાના સિદ્ધાંત તરીકે ધ્યાને રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા SBI ની મદદથી અંબાજીમાં 2 મુખ્ય સ્થળોએ પ્લાસ્ટિક ક્રશર મશીનો સ્થાપિત કરવામાં આવશે. આ મશીનમાં કોઈપણ પ્લાસ્ટિકને ડમ્પ કરી શકાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. અંબાજીને હરિયાળું અને સ્વચ્છ ગામ બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે.

વર્ચ્યુઅલ રિયાલિટીથી મેળાના માહોલની અનુભૂતિ
ભાદરવી મેળા દરમિયાન આવનારા તમામ ભક્તોને VR (વર્ચ્યુઅલ રિયાલિટી) ટેક્નોલોજી દ્વારા દર્શનનો અલૌકિક અનુભવ કરાવવામાં આવશે. અંબાજી મંદિરની આરતી, ગબ્બર આરતી અને 51 શક્તિપીઠ પરિક્રમાના એક અલૌકિક અને દિવ્ય દ્રશ્યો વર્ચ્યુઅલ રીયાલિટી તરીકે દર્શાવવામાં આવશે. તમામ ભકતો શક્તિદ્વારની સામેના પાર્કિંગમાં આ સુવિધાની અનુભૂતિ માણી શકશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.