Navsari: નવસારી શહેરમાં એક સામુહિક આપઘાટના બનાવે ચકચાર મચાવી હતી. જેમાં ગત 31 ઓગસ્ટના રોજ ઘરેથી નીકળેલી એક મહિલાએ પોતાની બે દીકરીઓ સાથે નદીમાં ભૂસકો માર્યો હતો. ગઈકાલે અલગ-અલગ ઠેકાણેથી બન્ને બાળકીના મૃતદેહ મળી આવ્યા બાદ આજે પૂર્ણા નદીમાં માતાની તરતી લાશ મળી આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખેવના હાર્દિક નાયક (28) નામની મહિલા પોતાની 4 વર્ષીય દીકરી ધિયા અને અઢી વર્ષીય દ્વિજા સાથે ગત 31 ઓગસ્ટના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી.
ગઈકાલે વિરાવળથી એક દીકરીનો મૃતદેહ મળ્યા બાદ જલાલપોર સ્થિત સંતોષી માતાના મંદિર નજીકના ઓવારા પાસેથી બીજી દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે આજે કરાડી ગામ પાસે વહેતી પૂર્ણા નદીમાંથી બાળકીઓની માતા ખેવના નાયકની પણ તરતી લાશ મળી આવી છે.
હજુ સુધી સામુહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. જો કે મૃતક મહિલાના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ખેવનાએ હાર્દિક નાયક સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. હાર્દિક દારૂડિયો હોવાથી તે નશામાં ધૂત થઈને ખેવના સાથે મારઝૂડ કરતો હતો. પતિના સતત ત્રાસના કારણે ખેવનાએ અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. હાલ તો નવસારી ગ્રામ્ય અને જલાલપોર પોલીસ આ સમગ્ર મામલે આગળની તપાસ કરી રહી છે.