Kheda: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, ત્યારે ત્રણેક દિવસથી મેઘરાજા સાર્વત્રિક તોફાની બેટિંગ કરી રહ્યા છે. સતત પડી રહેલા વરસાદના કારણે રાજ્યના નદી, નાળા છલકાઈ ગયા છે. એવામાં ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભાવિત પૂરની સ્થિતિને જોતા આવતીકાલે તમામ સ્કૂલ અને કૉલેજોમાં રજા જાહેર કરી છે.
ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા જારી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, હાલ ખેડા જિલ્લા તેમજ આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડા જિલ્લામાં વહેતી સાબરમતી, મહી, વાત્રક અને શેઢી સહિતની નદીઓ તેમજ નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે, તે માટે સલામતીના ભાગરૂપે આવતીકાલે 8 સપ્ટેમ્બર સોમવારના રોજ ખેડા જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ કૉલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.
આટલું જ નહીં, બાળકોને બિનજરૂરી બહાર ના જવા દેવા માટે વાલીઓને વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારો, નદી-નાળા તેમજ વીજળીના તારથી દૂર રહેવા તકેદારી રાખવા સૂચન કરાયું છે.
આજે ખેડા જિલ્લામાં સાર્વત્રિક દોઢ ઈંચ સુધી વરસાદ
આજે ખેડા જિલ્લામાં પડેલા વરસાદની વિગતો જોઈએ તો, સાંજે 6 વાગ્યા સુધીમાં કપડવંજ તાલુકામાં 43 મિ.મી (1.6 ઈંચ), નડિયાદમાં 34 મિ.મી (1.3 ઈંચ), કઠલાલમાં 34 મિ.મી (1.3 ઈંચ), મહેમદાવાદમાં 31 મિ.મી (1.2 ઈંચ), માતરમાં 20 મિ.મી, વસોમાં 17 મિ.મી, ગલતેશ્વરમાં 15 મિ.મી, મહુધામાં 15 મિ.મી , ખેડામાં 13 મિ.મી વરસાદ વરસ્યો છે.