હળવદના ચંદ્રગઢ ગામે બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવકની હત્યા, પરિવારજનો શોધવા નીકળતા વાડીએથી લોહીથી લથપથ લાશ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે 27 વર્ષીય યુવાન અનિલ જાદવની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. પરિવારજનો શોધવા નીકળતા વાડીએથી લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 Oct 2026 10:26 PM (IST)Updated: Tue, 13 Oct 2026 10:26 PM (IST)
morbi-news-shocking-murder-in-halvad-youth-killed-with-blunt-object

Morbi: મોરબી જિલ્લાના હળવદમાં નવરાત્રી સમયે બે જૂથ વચ્ચે અથડામણ બાદ પ્રવર્તતી તંગદિલીને પગલે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે યુવાનની હત્યાની (Halvad Murder) ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સે યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચંદ્રગઢ ગામના અનિલ રામજીભાઈ જાદવ (27) મોડી સાંજ સુધી વાડીએથી ઘરે પરત ફર્યા ન હતા. જેથી પરિવારજનો તેમને શોધવા માટે વાડીએ પહોંચ્યા હતા. જ્યાં અનીલનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં DySp, LCB અને હળવદ પોલીસ સ્ટેશનના PI સહિતની પોલીસ ટીમ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી આરોપીને શોધવા તેમજ હત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.