વસ્ત્રાલમાં મજાક કરવા બાબતે ઠપકો આપતા ખેલાયો ખૂની ખેલઃ ઈજાગ્રસ્ત મામાએ ચપ્પુ ઝૂંટવી વળતો ઘા ઝીંકતા સગીર ભાણાનું મોત

વસ્ત્રાલમાં માણા-ભાણા વચ્ચે નજીવી બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેમાં મામાએ ચપ્પુ ઝૂંટવીને પલટવાર કરતાં ભાણાનું મોત નીપજ્યું છે. રામોલ પોલીસે મામા વિરુદ્ધ હત્યા અને ભાણા સામે હત્યાના પ્રયાસની ક્રોસ ફરિયાદ દાખલ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 Oct 2026 10:07 PM (IST)Updated: Tue, 13 Oct 2026 10:07 PM (IST)
ahmedabad-news-minor-boy-stabbed-to-death-by-uncle-over-minor-altercation-in-vastral

Ahmedabad: અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં નજીવી બાબતે મામા-ભાણેજ વચ્ચે થયેલી ખૂની ઝડપ હત્યામાં પરિણમી છે. જેમાં હુમલામાં ઈજાગ્રસ્ત મામાએ ચાકુ ઝૂંટવીને વળતો ઘા ઝીંકતા ભાણાનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વસ્ત્રાલના ઈન્દિરાનગર ટેકરા પાસે દિનેશ દેવીપૂજક પોતાની પત્ની સાથે રહેતા હતા. દિનેશ દેવીપૂજકની બહેને અન્યત્ર લગ્ન કરી લેતા તેનો 16 વર્ષીય દીકરો પણ મામા સાથે રહેતો હતો. 

દિનેશ દેવીપૂજક પત્ની પૂજા સાથે મેદાનમાં બેઠા હતા. આ સમયે તેમનો સગીર ભાણો મિત્રો સાથે પેડલ રિક્ષામાં બેસીને મસ્તી કરતો હતો. આથી મામાએ ભાણાને મસ્તી ના કરવા બાબતે ઠપકો આપ્યો હતો. એટલામાં ભાણો ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પુ વડે મામા પર તૂટી પડ્યો હતો. આ દરમિયાન મામી પૂજાબેન વચ્ચે પડતા ભાણાએ તેમના પર પણ હુમલો કરી દીધો હતો.

આથી દિનેશ દેવીપૂજકે ભાણાના હાથમાં ચપ્પુ ઝૂંટવી લીધુ હતું. જે બાદ આવેશમાં ભાણાને પેટ અને કમરના ભાગે ચપ્પુનો ઘા મારી દેતા, તે લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યો હતો. આ દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ સગીર ભાણાને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે રામોલ પોલીસે મામા વિરુદ્ધ હત્યા તેમજ ભાણા સામે હત્યાના પ્રયાસની ક્રોસ ફરિયાદ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.