Vadodara Navratri 2026: નવરાત્રી પર્વ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા પોલીસ તેમજ વિવિધ સરકારી વિભાગો દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એલેમ્બિક સીટી ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'BCC બાળ ગરબા મહોત્સવ' તથા “માં ચામુંડા ગરબા મહોત્સવ” (સોના પાર્ટી પ્લોટ) ખાતે સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.
બી ડિવિઝન ACP અને ગોરવા પોલીસ ઈન્સપેક્ટર કિરીટસિંહ લાઠીયાની અધ્યક્ષતામાં આ ખાસ તપાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. તપાસ દરમિયાન વડોદરા ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એન.ઓ.સી. (NOC)ની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો
આ ઉપરાંત વીજળીના શોર્ટ સર્કિટના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી MGVCL (સુભાનપુરા)ના કર્મચારીઓ દ્વારા ગ્રાઉન્ડની સમગ્ર ઈલેક્ટ્રિક વ્યવસ્થા અને વાયરિંગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ R & D વિભાગના અધિકારીઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે ઊભા કરવામાં આવેલા સ્ટેજ અને અન્ય સ્ટ્રક્ચરની મજબૂતીની ચકાસણી કરવામાં આવી હતી.
આમ નવરાત્રી ઉત્સવ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. સ્થળ પર હાજર અધિકારીઓએ ગરબા આયોજકોને સરકારશ્રીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને શ્રદ્ધાળુઓ તથા ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
