રાજકોટમાં 12 દિવસ જૂની નજીવી માથાકૂટનો લોહિયાળ અંત, સમાધાન માટે બોલાવી જમીન દલાલની સરેઆમ ઘાતકી હત્યા

રાજકોટમાં 12 દિવસ જૂના ઝઘડાના સમાધાન માટે બોલાવી જમીન-મકાન દલાલ પરેશ ચૌહાણની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ તેજ કરી છે, જ્યારે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 Oct 2026 07:54 PM (IST)Updated: Tue, 13 Oct 2026 07:54 PM (IST)
rajkot-crime-property-broker-murdered-in-mavdi-over-minor-dispute-after-being-called-for-settlement
ફાઈલ ફોટો

Rajkot: રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. એવામાં મવડી પાળ રોડ વિસ્તારમાં રહેતા જમીન-મકાનની દલાલીનું કામ કરતા યુવકને 12 દિવસ પૂર્વે થયેલા ઝઘડાના સમાધાન માટે બોલાવી ટોળાએ છરીના આડેધડ ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મવડી પાળ રોડ પર આવેલ મીરાબાઈ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો અને જમીન મકાન લે-વેચનું કામ કરતો પરેશ ચૌહાણ (28) ગત રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સુમારે 150 ફીટ રિંગ રોડ પર આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ નજીક આસ્થા ચોક પાસે ચાની હોટલે હતો, ત્યારે રાધે રાઠોડ સહિતના શખ્સોએ તેના ઉપર છરીથી હુમલો કરી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાંચ તેમજ LCB ઝોન-2 સહિતની ટીમ ઘટના સ્થળે આસ્થા ચોકડી ખાતે દોડી ગઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આજથી અઠવાડિયા અગાઉ પરેશ પાળ મવડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે વાહન અડી જવા મામલે રાધે તથા કાનો ઉર્ફે અનિલ સહિતના શખ્સો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખી આરોપીઓએ ગત રાત્રે પરેશને ’તકરારનું સમાધાન કરી લઈએ’ તેમ કહી આસ્થા ચોકમાં ચા ની હોટલે બોલાવ્યો હતો.

પરેશ ત્યાં પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરૂ રચી બેઠેલા નામચીન છાપ ધરાવતા રાધે, કાના અને તેની સાથેના અન્ય શખ્સોએ ઝઘડો શરૂ કર્યો હતો અને તીક્ષ્ણ છરી વડે પરેશ પર તૂટી પડ્યા હતા. ટોળકીએ પરેશના પીઠ, પેટ તેમજ પગના ભાગે છરીના ઊંડા ઘા ઝીંકી દેતા પરેશનું સ્થળ પર જ મોત થયું હતું. આ સમયે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યા હતા.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ અને એલસીબી ઝોન-2ની અલગ-અલગ ટીમો બનાવીને આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં દરોડાનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

રાજકોટમાં છેલ્લા 10 મહિનામાં 31 લોથ ઢળી

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે. ચોરી અને લુંટ સહીત ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 10 મહિનામાં હત્યાના 31 બનાવો બન્યા છે. શહેરના રેલનગર વિસ્તારમાં બાંધકામની સાઈટ પર ઓરિસ્સાના મજૂરે મધ્ય પ્રદેશની યુવતીનો હાથ પકડતાં તેણીના બે ભાઈઓ સહિત ત્રણ શખ્સોએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી.

છેલ્લા ત્રણ દિવસમાં હત્યાના ત્રણ બનાવો નોંધાયા છે. આજદિન સુધી છેલ્લા 10 મહિનામાં હત્યાના 31 બનાવો બન્યા છે. જેમાં દારૂૂ ઝેર પીવડાવી બુટલેગએ બે યુવાનોની કરેલી હત્યા, રૈયાધારે પૌત્રએ દાદાની હત્યા કરી હતી તેમજ પતિને પત્નીની અને પિતાએ પુત્રની કરેલી હત્યા ચર્ચાસ્પદ રહી છે. 10 મહિનામાં થયેલી 31 હત્યામાં સૌથી વધુ યુનિવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં આજે 7 હત્યાનો બનાવ બાદ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં હત્યાના બે બનાવો બન્યો છે.