પાવાગઢમાં સતત ત્રીજા નોરતે માઈભક્તોનું ઘોડાપૂરઃ 'જય માતાજી'ના નાદથી ડુંગર ગુંજી ઉઠ્યો, 3 દિવસમાં 4 લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાના ચરણો પખાળ્યા

પાવાગઢના મહાકાળી મંદિરમાં નવરાત્રીના ત્રીજા દિવસે માઈભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતુ, જ્યાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. જો કે પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાના અભાવના કારણે ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 Oct 2026 07:29 PM (IST)Updated: Tue, 13 Oct 2026 07:29 PM (IST)
pavagadh-mahakali-temple-over-4-lakh-devotees-visit-in-first-3-days-of-navratri

Pavagadh Mahakali Temple Navratri Rush: પવિત્ર આસો નવરાત્રી પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના ત્રીજા નોરતે પણ જગતજનની મા મહાકાળીના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે સમગ્ર રાજ્યમાંથી માઈભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે.

મંગળા આરતીમાં ઉમટ્યો જનમેદનીનો સૈલાબ

વહેલી સવારે શક્તિદ્વાર ખુલતાની સાથે જ માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. માઁ મહાકાળીની મંગળા આરતીમાં હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 'જય મહાકાળી' અને 'જય માતાજી'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર ગિરિમાળા ભક્તિમય બની ગઈ હતી.

પવિત્ર વાતાવરણમાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આસો નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને દર્શન કરતા નજરે પડ્યા હતા.

સુવિધાઓનો અભાવ: પીવાના પાણી માટે ભક્તો પરેશાન

એક તરફ નવરાત્રિના પાવન પર્વે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો, તો બીજી તરફ યાત્રિકોને મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડુંગર પર યાત્રાળુઓ માટે મૂકવામાં આવેલી પીવાના પાણીની મોટાભાગની ટાંકીઓ ખાલી જોવા મળી હતી. જેના કારણે કલાકો સુધી ચાલીને આવેલા શ્રદ્ધાળુઓ પાણી માટે આમતેમ ભટકવા મજબૂર બન્યા હતા. લાચાર બનીને ભક્તો પાટિયા પુલ નજીક પથ્થરોમાંથી વહેતા કુદરતી પાણી વડે બોટલો ભરતા નજરે પડ્યા હતા.

વહીવટીતંત્ર દ્વારા નવરાત્રિ જેવા મોટા તહેવાર દરમિયાન પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માઈભક્તોમાં ભારે માંગ ઉઠી છે. મુશ્કેલીઓ છતાં માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે પાવાગઢ ધામ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.