Surat: નવરાત્રીના પાવન અવસરે જ્યાં ચોતરફ ગરબાના નાદ અને આદ્યશક્તિની આરાધનાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે દર્દીનો જીવ બચાવવો એજ સર્વોપરી ધર્મ છે તે સાર્થક કરતો એક પ્રેરણાદાયી કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતની ‘માતે હોસ્પિટલ-હાઈ રિસ્ક પ્રેગ્નન્સી સેન્ટર’ના ડૉક્ટર કલ્પના સવાણીએ ગરબા ગ્રાઉન્ડમાંથી સીધા હોસ્પિટલ દોડી જઈને એક ગંભીર દર્દીનો જીવ બચાવીને સાચો તબીબી ધર્મ નિભાવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતની માતે હોસ્પિટલના તબીબ ડૉક્ટર કલ્પના સવાણી નવરાત્રીના પ્રથમ દિવસે મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતા. ગરબાનો પ્રથમ રાઉન્ડ માંડ પુરો થયો, ત્યાં રાતે સાડા 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાંથી ઉપરાછાપરી ફોન આવવા લાગ્યા. જેમાં બારડોલીથી એક દર્દીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.
જેથી પરિસ્થિતિની ગંભીરતા પારખીને ડૉ. કલ્પનાએ પળનો પણ વિલંબ કર્યાં વિના ચાલુ ગરબાએ રેપિડો બુક કરાવીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે ગંભીર દર્દીને વેન્ટિલેટર સપોર્ટ પર લઈને તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી. સમયસર મળેલી સારવારને કારણે દર્દી ભાનમાં આવ્યો હતો અને તેની તબિયતમાં સુધારો થયો હતો. હાલ માતાજીની કૃપાથી દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે.
ગરબા ગુંજે, ત્યારે હાર્ટ બીટની માફક પગ આપોઆપ થનગની ઉઠે છે
યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવો અને સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા ડૉ. કલ્પનાએ જણાવ્યું કે, ફિઝિયો, જિમ અને કાર્ડિયો એક્સરસાઈઝ કરતાં ગરબા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. એક થી દોઢ કલાક સુધી સતત રિધમમાં ગરબા રમવાથી તન અને મન બન્ને સ્ફૂર્તિલા બને છે.
જો મારી વાત કરું તો, મને બાળપણથી જ ગરબાનો ખૂબ જ શોખ હતો. જો કે મેડિકલ ક્ષેત્રમાં આવ્યા બાદ અભ્યાસ, કારકિર્દી અને હોસ્પિટલની વ્યસ્તતાના કારણે 10 થી 12 વર્ષ સુધી ગરબા રમી શકી નહતી. જો કે પોતાની હોસ્પિટલ શરૂ થયા બાદ બે વર્ષથી ફરીથી ગરબા રમવા જાઉં છું. આખો દિવસ હોસ્પિટલમાં વ્યસ્ત રહ્યા બાદ જ્યારે પણ ગરબાનું સંગીત વાગે, ત્યારે હાર્ટબીટની માફક પગ આપોઆપ થનગની ઉઠે છે. અમે નવે-નવ દિવસ મન મૂકીને ગરબે ઘૂમીને બાળપણની યાદો તાજી કરીએ છીએ.
