મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 430 કિલો વાસી કેરીનો રસ અને અખાદ્ય આઈસ્ક્રીમનો નાશ

મહેસાણા શહેરની 10થી વધુ ડેરીઓમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 12 May 2026 04:55 PM (IST)Updated: Tue, 12 May 2026 04:55 PM (IST)
mehsana-food-department-destroys-adulterated-mango-juice-ice-cream
HIGHLIGHTS
  • મહેસાણામાં ફૂડ વિભાગનું 'ઓપરેશન સમર' શરૂ
  • વાસી કેરીનો રસ અને અખાદ્ય આઈસ્ક્રીમનો નાશ

Mehsana Food Safety News: ઉનાળાની ગરમીમાં અખાદ્ય ઠંડા પીણા કે આઈસ્ક્રીમ-શ્રીખંડ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે લાલ આંખ કરી છે. ફૂડ ઓફિસર વિપુલ ચૌધરીની આગેવાનીમાં તંત્ર દ્વારા 'ઓપરેશન સમર' હાથ ધરીને મહેસાણા શહેર અને વિસનગરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વાસી કેરીનો રસ અને અખાદ્ય આઈસ્ક્રીમ

તંત્ર દ્વારા રચવામાં આવેલી ત્રણ અલગ-અલગ ટીમોએ અંદાજે 12 જેટલા એકમો પર દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન દેદિયાસણ GIDCમાં આવેલી ચામુંડા ડેરીમાંથી 430 કિલો વાસ મારતો અને અત્યંત ખરાબ હાલતમાં રહેલો કેરીનો રસ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, મોઢેરા રોડ પર આવેલી જય ચામુંડા ડેરી પાર્લરમાંથી 36 લિટર જેટલો અખાદ્ય આઈસ્ક્રીમ જપ્ત કરી તેનો નિકાલ કરાયો હતો. આ પાર્લરમાં 'સ્વેતુલ' બ્રાન્ડના નામે વેચાતા માવા-મલાઈ અને રોઝ આઈસ્ક્રીમમાં વપરાતા ઇન્ગ્રેડિએન્ટ્સ એક્સપાયરી ડેટવાળા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.

naidunia_image

કયા સ્થળોએ ફૂડ વિભાગે કરી તપાસ? 

ઉનાળાની સીઝનમાં ઠંડા પીણાં અને ડેરી પ્રોડક્ટ્સના નામે લોકોના આરોગ્ય સાથે થતી બેદરકારી સામે ફૂડ વિભાગે જય ચામુંડા ડેરી પાર્લર, ચામુંડા ડેરી, શ્રી મધુર ડેરી પાર્લર, પટેલ ડેરી પ્રોડક્શન, કૃષ્ણા ડેરી પ્રોડક્શન, વિસ્ત ડેરી પ્રોડક્શન અને સ્વેતુલ ડેરી સહિત કુલ 11 એકમોમાં તપાસ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

naidunia_image

વિવિધ ડેરીમાંથી લેવામાં આવ્યા સેમ્પલ

ફૂડ વિભાગે શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લેવાની પ્રક્રિયા તેજ કરી છે. તપાસ દરમિયાન પાવન અશોકભાઈ પટેલના એકમમાંથી માવા-મલાઈ આઈસ્ક્રીમ, શ્રી મધુર ડેરી પાર્લરમાંથી અમેરિકન નટ્સ મઠો અને અન્ય સ્થળોએથી કેસર મઠો, મેંગો મિલ્ક શેક તેમજ કેરીના રસના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 

રિપોર્ટ આવ્યા બાદ થશે કડક કાર્યવાહી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ નમૂનાઓ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પાટીદાર રસ સેન્ટર, રોયલ મિલ્ક પેલેસ અને ઉમિયા રસ કોર્નર સહિતના અનેક એકમોમાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો.