Mehsana accident news: મહેસાણા જિલ્લામાં ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મકતુપુર અને બ્રાહ્મણવાડા વચ્ચે પૂર ઝડપે જઈ રહેલી એક ઇકો કાર અને આઈસર ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
ભયાનક અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા
પ્રાપ્ત વિગતો અનુસાર, એક ઇકો કાર ઊંઝાથી સિદ્ધપુર તરફ જઈ રહી હતી, તે સમયે સામેથી આવી રહેલા આઈસર ટ્રક સાથે તેની અચાનક જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો અને વાહનના ફુરચા ઉડી ગયા હતા.
બે વ્યક્તિના મોત, સાળી-બનેવીનો જીવ ગયો
આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બનેલા બે લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, સારવાર દરમિયાન અન્ય એક યુવતીનું પણ મોત નીપજ્યું હતું.
પોલીસ અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કવાયત શરૂ કરી છે.
આ ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ ઉભી થઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ અકસ્માત ઓવરસ્પીડના કારણે સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
