Mehsana News: મહેસાણા જિલ્લામાં એક વ્યક્તિ જે પોતે જીવ આપી દેવા ઇચ્છતો હતો. પરંતુ ઈશ્વરને જાણે જીવતો રાખવો હોય તેવી આશ્ચર્યજનક ઘટના બની હતી. એક પિતા જ્યારે પુત્ર ધો.10માં નાપાસ થયો હોવાથી ભારે આઘાતમાં સરી પડ્યા અને આત્મહત્યા કરવા નીકળ્યા હતા. પરંતુ બાઈક સ્લિપ થઈ જતા પિતાનો જીવ બચી ગયો હતો.
પુત્ર નાપાસ થતા પિતાને લાગ્યો આઘાત
મળતી વિગતો મુજબ, મહેસાણામાં એક વ્યક્તિનો પુત્ર ધો.10માં નાપાસ થયો હતો. જેના આઘાતથી પિતા આત્મહત્યા કરવા માટે બાઈક પર નીકળા હતા. બુધવારે બપોરના રોજ એમ્બ્યલન્સને એક ઇમરજન્સી કોલ આવ્યો હતો. જેમાં વ્યક્તિએ જણાવ્યું કે, મહેસાણા-પાંચોટ લાઈન પાસે અલોડા રેલ્વે ટ્રેક નજીક એક વ્યક્તિ આપઘાત કરવા જઈ રહ્યો છે. જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ અને 108ની ટીમ લોકેશન પર પહોંચી ગઈ હતી.
બાઈક સ્લિપ થતા જીવ બચ્યો
ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અવસ્થામાં મળી આવ્યો હતો.જેમાં તેણે જણાવ્યુ કે, પુત્રના નાપાસ થવાથી આઘાતમાં આવીને આત્મઘાતી પગલું ભરવા જઈ રહ્યો હતો. પરંતુ બાઈક સ્લિપ ખાઈ જતાં તેમને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ પોલીસ અને 108ની ટીમે વ્યક્તિનું કાઉન્સેલિંગ કરીને જીવનનું મૂલ્ય સમજાવ્યું હતું. જેથી એક કિમતી જીંદગી બચી જવા પામી હતી.
