Mehsana News: મહેસાણા જિલ્લાના મોઢેરા-મીઠી ઘડિયાળ રોડ પર ગત 18મી તારીખની સાંજે એક હિટ એન્ડ રનની કરુણ ઘટના સર્જાઈ છે. પૂરપાટ ઝડપથી આવી રહેલી કિયા કારે ટ્રિપલ સવારી બાઈકને જોરદાર ટક્કર મારતાં ત્રણેય સવારો નીચે પટકાયા હતા. જોકે, આ ગંભીર દુર્ઘટનામાં વધુ પડતી ઈજાઓ થવાથી એક 27 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું. જ્યારે બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઘરે પરત વખતે સર્જાયો અકસ્માત
મળતી વિગત મુજબ, કડી તાલુકાના ધુમાસણ ગામના વતની અને હાલ બેચરાજી તાલુકાના સમલીયાપુરામાં રહીને ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 27 વર્ષીય નટુભાઈ દેવીપૂજક ગઈ સાંજે તેમના કુટુંબી રમેશ દેવીપૂજક અને રણવીરસિંહ જાડેજા સાથે બાઈક પર મોઢેરા ખાતે ખેતમજૂરી કામ પતાવીને ઘરે પાછા ફરી રહ્યા હતા. સાંજના સમયે મોઢેરાથી મીઠી ઘડિયાળ જવાના રસ્તા પર કેનાલ તરફથી એક પૂરઝડપે આવી રહેલી કિયા કારે બાઇકને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં યુવકના માથા પર ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ત્યાં જ મોત થયું હતુ.
બે ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
બનાવની જાણ થતાં મૃતકના પત્ની અને પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે લોકોને એમ્બ્યુન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવાાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ કારચાલક મદદ કરવાનું નાટક કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
કાર ચાલક સામે ગુનો દાખલ
જોકે, અન્ય એક વાહનચાલકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. મોઢેરા પોલીસે મૃતદેહને બેચરાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતિમ વિધિ માટે પરિજનોને સોંપ્યો છે. પોલીસે કારના માલિકની શોધખોળ હાથ ધરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
