Navratri 2026: ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં આજથી નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગરબે ઘૂમવા માટે મહેસાણાવાસીઓ થનગની રહ્યા છે, નવરાત્રિના નવ દિવસો સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમે, તેમને કોઇ મુશ્કેલી ન પડે, તેની ગરબા આયોજકો અને પોલીસ વિભાગે તૈયારીઓ કરી છે. ખાસ કરીને મહેસાણા પોલીસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. જ્યારે બીજી બાજુ ગરબા આયોજકોએ કોઇ પણ પ્રકારની પાસ સુવિધા વગર ગરીબ લોકો પણ ગરબા રમી શકે તે માટે ખાસ આયોજન કર્યું છે. તેમજ શેરીઓ રમાતા ગરબાને સ્થાને પાર્ટી પ્લોટમાં ગરબીઓનું આયોજન કરાયું છે.
વિશાળ શેરી ગરબામાં વિનામૂલ્યે પ્રવેશ
મહેસાણામાં વિશાળ શેરી ગરબાઓની મોટી ખાસિયત એ છે કે, અહીં ખેલૈયાઓ માટે કોઇ પણ પ્રકારના પાસ સિસ્ટમ કે એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. જેથી તમામ ગરબા રસિકો મુક્તપણે માં અંબાના ચાચર ચોકમાં ગરબા ઘૂમી શકે. ખાસ કરીને બેનો અને દીકરીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
મહેસાણાના વિશાળ શેરી ગરબીઓમાં સીસીટીવીનું ચુસ્ત નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. તેમજ શેરી ગરબીઓમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ શી ટીમ પણ તૈનાત રહેશે. જેથી ગરબા સમયે કોઈ અસામાજિક તત્વ કે રોમિયો બેન દીકરીઓની છેડતી ન કરી શકે.
નવરાત્રિએ જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત
સમગ્ર જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને ગરબા રસિકો સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવ મણાવી શકે તે માટે મહેસાણા જિલ્લા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. તમામ નવરાત્રિ મેદાન, પાર્ટી પ્લોટ અને શેરી ગરબાઓ ખાતે ખાસ પોલીસ તૈનાત રહેશે. મહેસાણા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 3 ડીવાયએસપી, 39 પીએસઆઈ, 21 પીઆઈ સહિત 760 પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે.
