Mehsana: ગઈકાલે રાતના સમયે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને ગિરીશ પરમાર નામના યુવકે આપઘાત કરી લીધો હતો. આ કેસની તપાસ કરી રહેલ પોલીસને મૃતક ગિરીશના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી આવતા સમગ્ર ઘટનામાં હત્યાકાંડનો ઘટસ્ફોટ થયો છે.
મેં મારી પત્ની અને પુત્રીને મારી નાંખીને દાટી દીધા
ગિરીશ પરમારે સ્યુસાઈડ નોટમાં આજથી 6 મહિના પૂર્વે તેણે પોતાની પત્ની પ્રિયંકા અને પુત્રી પરીની હત્યા કરીને બન્નેની લાશને શાહપુર વડ સ્થિત તેના ઘરની નજીક આવેલા મકાનના છેલ્લા રૂમમાં દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી.
ગિરીશ પરમારની સ્યુસાઈડ નોટના આધારે હરકતમાં આવેલ વડનગર પોલીસનો કાફલો તેના શાહપુર વડ સ્થિત ગામે પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરીને સ્યુસાઈડ નોટમાં જણાવેલી રૂમમાં ખોદકામ શરૂ કર્યું હતુ. ચારેક મજૂરો દ્વારા પ્લાસ્ટર તોડીને સતત બે કલાક સુધી ખોદકામ કર્યા બાદ કપડામાં વીંટાળેલા બે કંકાલો મળી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગિરીશે પત્ની અને પુત્રીની હત્યા કર્યાં બાદ પુરાવાનો નાશ કરવા માટે બન્નેની લાશને દાટીને ઉપર પ્લાસ્ટર ચણી દીધુ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે મળી આવેલા કંકાલ અને છરો કબજે લઈને પરિવારજનોની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારજનોની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૃતક પ્રિયંકા અને ગિરીશ પરમારે આજથી ચાર વર્ષ પહેલા ભાગીને પ્રેમલગ્ન કરી લીધા હતા. ગત સપ્ટેમ્બર 2025માં ગિરીશે પ્રિયંકા ક્યાંક ભાગી ગઈ હોવાની વાત ઉપજાવી કાઢી હતી. પ્રિયંકાના પરિવારને પણ ગિરીશ ગોળગોળ ફેરવતો હોવાથી તેમણે વડનગર પોલીસ મથકમાં દીકરી ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગિરીશને પૂછપરછ માટે બોલાવતા તેને ધરપકડનો ડર લાગતા આપઘાત કર્યો હતો.
