Mehsana Food Poisoning: મહેસાણાના સતલાસણા તાલુકાના ગોરીયાપુર ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડેલ સ્કૂલની હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી બાદ ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે. રાત્રિ ભોજન અને ચોકલેટ લીધા બાદ 20થી 22 જેટલી વિદ્યાર્થિનીઓને અચાનક તબિયત લથડતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, રાત્રિના ભોજન અને બાદમાં આપવામાં આવેલી ચોકલેટ ખાધા પછી વિદ્યાર્થિનીઓને સતત ઉધરસ, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઊઠી હતી. કેટલીક બાળકીઓને અસહ્ય ખાંસીના કારણે ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું, જે ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંચ એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થિનીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના સદસ્ય કુલદીપસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, હાલ તમામ વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર છે અને તેમને જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ હોસ્ટેલના ભોજનના નમૂના એકત્રિત કરી તપાસ તેજ કરવામાં આવી છે. આદર્શ નિવાસી મોડેલ સ્કૂલમાં કુલ 165 બાળકીઓ અભ્યાસ કરે છે, તેમાંથી 20થી 22 બાળકીઓને રાત્રે આ અસર થઈ હતી. હાલ હોસ્ટેલમાં રહેલી અન્ય તમામ બાળકીઓનું પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઘટના અંગે અસરગ્રસ્ત વિદ્યાર્થિની ડામોર પ્રિંકલબેન લક્ષ્મણભાઈએ જણાવ્યું કે, ક્રિસમસની રજા હોવાથી અમે ઉજવણી કરી હતી, ભોજન લીધું અને ડાન્સ પણ કર્યો. ત્યારબાદ મેડમે આપેલી ચોકલેટ ખાધા પછી વાંચવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક છોકરીઓને ઉધરસ અને ઉલટી થવા લાગી હતી. શિક્ષકોએ તાત્કાલિક રિક્ષા મંગાવી અમને દવાખાને પહોંચાડ્યા અને ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા વડનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. જોકે, બાળકોએ તે રાત્રે કયું ભોજન લીધું હતું તેની ચોક્કસ વિગતો હજુ જાણી શકાઈ નથી. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ભોજનના નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનિંગના સાચા કારણનો ખુલાસો થઈ શકશે.
