મહેસાણા હાઈવે પર મરણચીસો ગૂંજી, લકઝરી બસ ડિવાઇડર કૂદી ટ્રક સાથે અથડાઈ; 2 લોકોના મોત, 13 ઇજાગ્રસ્ત

પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 12 May 2026 11:30 AM (IST)Updated: Tue, 12 May 2026 11:36 AM (IST)
mehsana-rajasthan-highway-bus-and-truck-accident-near-moti-dau-village
HIGHLIGHTS
  • મહેસાણા-રાજસ્થાન હાઇવે પર અકસ્માત
  • ડિવાઇડર કૂદી ખાનગી બસ ટ્રકમાં ઘૂસી ગઈ
  • 2 લોકોના મોત નીપજ્યા અને 13 ઈજાગ્રસ્ત

Mehsana-Rajasthan Highway Accident: ઉત્તર ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. મહેસાણા-રાજસ્થાન હાઇવે પર મોટી દાઉ ગામ નજીક મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પૂરઝડપે આવતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરમાં 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 13 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ડિવાઇડર કૂદી ટ્રક સાથે અથડાઈ લક્ઝરી બસ

આ અકસ્માતની વિગતો આપતા ટ્રક ડ્રાઈવર તુલસીરામે જણાવ્યું હતું કે, વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને તેમની ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અમદાવાદ તરફ જતી એક લક્ઝરી બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી. પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસે સામેથી આવતી કેળા ભરેલા ટ્રકને ટક્કર મારી હતી.

naidunia_image

ભયાનક અકસ્માતમાં વાહનોના ફુરચા ઉડી ગયા

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ અને ટ્રક બંનેનો ભુક્કો બોલી ગયો હતા, અને લકઝરી બસ રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત થતા જ હાઇવે પર મોતની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. જેને પગલે આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

naidunia_image

2 લોકોના મોત, 13 ઇજાગ્રસ્તોની સારવાર શરૂ

આ ગોઝારા અકસ્માતમાં 2 વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. બસમાં સવાર અન્ય 13 મુસાફરોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મહેસાણાની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, મોડી રાત્રે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હોવાને કારણે અથવા બસ ગતિ મર્યાદા બહાર હોવાને કારણે આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.