Mahisagar: એક તરફ ગુજરાતમાં તોફાની વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં જળાશયો છલકાઈ ગયા છે. જેના પગલે કડાણા ડેમમાંથી આજે અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દોલતપુરા ગામ નજીકના હાઈડ્રો પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 5 જેટલા મજૂરો ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કડાણા ડેમ સાઈટથી 20 કિલોમીટર દૂર આવેલા દોલતપુરા ગામ નજીક હાઈડ્રો પ્રોજેક્ટના કૂવામાં મેઈન્ટેન્સની કામગીરી ચાલી રહી હતી. જ્યાં પચીસેક જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા.
એવામાં પોણા ચાર વાગ્યાની આસપાસ કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા હાઈડ્રો પ્રોજેક્ટના કૂવા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીનું લેવલ વધતા 20 જેટલા મજૂરો બહાર દોડી આવતા તેઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અંદર રહી ગયેલા પાંચ જેટલા મજૂરો ડૂબીને લાપત્તા થઈ ગયા છે.
આ ઘટનાની જાણ થતાં લુણાવાડાના DDO, મામલતદાર, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પાણીમાં ગુમ થયેલા કર્મચારીઓની શોધખોળ માટે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં લાપત્તા થયેલા કામદારોની ઓળખ શૈલેષ શામજી માછી, શૈલેશ રમણ માછી (બન્ને રહે. દોલતપુરા, મહીસાગર), ભરત પાદરીયા (રહે. દવાલીયા, મહીસાગર), અરવિંદ ડામોર, નરેશભાઈ તરીકે થઈ છે.