Junagadh: ઈ-મેમો ડાઉનલોડ કરતાં જ યુવકનો મોબાઈલ હેક, બેંક ખાતામાંથી રૂ. 9.23 લાખ ગાયબ

સરકાર અને પોલીસ દ્વારા અજાણી લિંક કે ઓટીપી શેર ન કરવાની વારંવાર ચેતવણી હોવા છતાં, સાયબર ગુનેગારો નવી યુક્તિઓથી લોકોને શિકાર બનાવી રહ્યા છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 06 Sep 2025 08:16 PM (IST)Updated: Sat 06 Sep 2025 08:16 PM (IST)
junagadh-news-rs-9-23-lakh-cyber-fraud-by-hack-mobile-phone-598632
HIGHLIGHTS
  • સાયબર ગઠિયાઓએ યુવકના નામે રૂ. 1.47 લાખની લોન મંજૂર કરાવી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી

Junagadh: ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ખાનગી દુકાનમાં નોકરી કરતા કમલેશભાઈ વ્યાસ સાથે થયેલી 9,23,750 રૂપિયાની છેતરપિંડીએ આ જોખમની ગંભીરતા દર્શાવી છે. સરકાર અને પોલીસ દ્વારા અજાણી લિંક કે ઓટીપી શેર ન કરવાની વારંવાર ચેતવણી હોવા છતાં, સાયબર ગુનેગારો નવી યુક્તિઓથી લોકોને શિકાર બનાવી રહ્યા છે.

જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કમલેશભાઈને અજાણ્યા મોબાઈલ નંબર પરથી RTOની એપ્લિકેશન ફાઈલ મળી. જેને તેઓએ બાઈકનો ઈ-મેમો સમજી ડાઉનલોડ કરી. આ ફાઈલ ખોલતાં જ તેમનો મોબાઈલ હેક થયો અને થોડી જ વારમાં તેમના બેંક ખાતામાંથી 9,23,750 રૂપિયા ઉપડી ગયા હતાં.

સાયબર ગુનેગારોએ કમલેશભાઈના ખાતામાંથી FDના 5 લાખ રૂપિયા તોડી લીધા અને તેમના નામે 1,47,314 રૂપિયાની લોન મંજૂર કરાવી. આ રકમ પણ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ ઘટનાએ ડિજિટલ સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી, તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. નાગરિકોને અજાણી લિંક કે ફાઈલ ડાઉનલોડ ન કરવા અને સાયબર સુરક્ષા પ્રત્યે સજાગ રહેવા પોલીસે અપીલ કરી છે.