Junagadh: પવિત્ર ગિરનારની ભૂમિ માં સવારે ખુશનુમા વાતાવરણમાં 6:45 કલાકે 40 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધાનો આરંભ સામાજિક ન્યાય અધિકારીતા,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રધુમન વાજા એ ફલેગ ઓફ થી પ્રારંભ કરાવ્યો હતો.
40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૌથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા રાજયભરના સ્પર્ધકોએ દોટ મુકી હતી.
આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં 37.47 મિનિટના સમય સાથેની જાડા રીંકલે મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં સોલંકી અલ્પેશ એ 62.51 મિનિટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં સોલંકી કાજલ રમેશભાઈ એ 38.50 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં દીવાકર રાજભરે એ 62.5 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો.
આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જાંબુચા કાજલ, તૃતીય ક્રમે ભાલિયા અંજના રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે વાજા કૌશિક,તૃતીય ક્રમે નિશાદ લલિતકુમાર રહ્યા છે.
જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે બારૈયા જાગૃતિ ભરતભાઈ , તૃતીય ક્રમે કામરીયા જયશ્રી ભીમભાઈ રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે સોલંકી વિશાલ અને તૃતીય ક્રમે ભાલીયા સંજય રહ્યા હતા.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જણાવ્યુ હતુ કે, અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે. તેમણે 40 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ ઉદબોધન માં જણાવ્યું હતું કે, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને સર કરવા માટે સ્પર્ધકો છેલ્લા બે મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા હતા. ત્યારે અત્યંત કઠિન ગણાતી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સ્પર્ધકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ રીતે આયોજિત કરવામાં આવે છે. તેમણે સ્પર્ધાના સફળ આયોજન બદલ યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા અને તેની ટીમને અભિનંદન આપ્યા હતા.

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં એનઆઈસી ટીમ ભુવનેશ્વર બુડગયા ડીઆઈઓ, હિતેશ ટાંક તથા શાયર રાઠોડ દ્વારા તૈયાર કરવામાં આવેલ સોફ્ટવેર તેમજ RFID ટેકનોલોજીનો ઉપયોગ કરીને સચોટ રિઝલ્ટ તૈયાર કરવામાં આવેલ હતું.
સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એન.ડી.વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતુ.
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકોને મેડિકલ ટીમ દ્વારા જરૂરી સારવાર અપાઈ
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે, ત્યારે સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓર્થોપેડિક ડોક્ટર સાથેની મેડિકલ ટીમ ખડેપગે રહી હતી

સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડો. નિસર્ગ મહેતાએ જણાવ્યું હતું કે, આ કઠિન સ્પર્ધામાં સ્પર્ધકોને મસલ્સ એટલે કે, સ્નાયુ ખેંચાઈ જવા કે જકડાઈ જવા, ક્રેમ્પ્સ, સોજો આવી જવો સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોને સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દમાં રાહત આપતા બેન્ડીટ (ગરમ પાટા) બાંધી આપવામાં આવ્યા હતા. આમ, સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડેપગે રહી હતી.
ઉલ્લેખનીય છે કે, સિનિયર-જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના 5500 પગથિયા અને સિનિયર જુનિયર બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથિયાની સ્પર્ધા રહે છે.
