Earthquake in Gir region: ગીર અને તાલાલા પંથકમાં આજે વહેલી સવારથી જ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. તાલાલા સહિતના પંથકમાં આજે વહેલી સવારે 4 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ છ જેટલા ભૂકંપના આંચકા નોંધાયા હતા.
બપોર સુધીમાં ભૂકંપના 6 આંચકા નોંધાયા
આ પણ વાંચો
આપને જણાવી દઈએ કે, વહેલી સવારે 4 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળામાં નોંધાયેલા તમામ ભૂકંપના આંચકા પૈકી સૌથી મોટો આંચકો વહેલી સવારે 4:13 કલાકે 3.4 ની તીવ્રતાનો આવ્યો હતો. જેના કારણે તાલાલા પંથકમાં મીઠી નિંદ્રામાં સૂતેલા લોકો સફાળા જાગી ગયા હતા. સાથે જ લોકોમાં ભયનો માહોલ રહ્યો હતો.
કમલેશ્વર ડેમ પાસે નોંધાયું મુખ્ય કેન્દ્રબિંદુ
આ 3.4ની તીવ્રતાના ભૂકંપનું મુખ્ય કેન્દ્ર બિંદુ (એપીસેન્ટર) તાલાલાથી 15 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં ગીરના જંગલ મધ્યે આવેલા કમલેશ્વર ડેમ પાસે નોંધાયું હતું. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું ઉદ્ભવ સ્થાન જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. મુખ્ય ભૂકંપ બાદ સવારના સમયગાળામાં જ સતત ત્રણ આફ્ટર શોક અનુભવાયા હતા.
સવારથી બપોર સુધીમાં નોંધાયા આફ્ટરશોક
સવારે 5:15 કલાકે 1.9ની તીવ્રતાનો આંચકો (13 કિમી દૂર), તેની ચાર મિનિટ બાદ 5:19 કલાકે 2.2ની તીવ્રતાનો આંચકો (12 કિમી દૂર) અને છ મિનિટ પછી 5:25 કલાકે 1.5ની તીવ્રતાનો આંચકો (10 કિમી દૂર) નોંધાયો હતો. ત્યારબાદ બપોરે ફરી ધરતીમાં હલચલ જોવા મળી હતી. બપોરે 12:43 કલાકે 1.7 ની તીવ્રતાનો અને પાંચ મિનિટ બાદ 12:48 કલાકે 1.2ની તીવ્રતાનો વધુ એક આંચકો નોંધાયો હતો.
નવી ફોલ્ટ લાઇન સક્રિય થવાની આશંકા?
હાલમાં ગીર પંથકમાં 42 ડિગ્રીથી વધુ કાળઝાળ ગરમી પડી રહી છે. આ ભીષણ ગરમી વચ્ચે જમીનના પેટાળમાં સતત ભૂકંપના આંચકા આવવાથી કોઈ નવી ફોલ્ટ લાઇન તો સક્રિય નથી થઈ ને, તેવી આશંકા અને ચિંતા લોકોમાં જોવા મળી રહી છે. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટર દ્વારા આ છ આંચકા નોંધાયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જોકે તેમની સત્તાવાર વેબસાઈટ હાલ અપડેટ ન હોવાથી બધા જ આંચકાના સ્પષ્ટ લોકેશન મેળવી શકાતા નથી.
