Jamnagar accident news: દેવભૂમિ દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહેલા મહેસાણાના એક પરિવારને જામનગર જિલ્લાના ધ્રોલ નજીક અકસ્માત નડ્યો છે. આ દુ:ખદ બનાવમાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. મધરાત્રે બનેલી આ હિટ એન્ડ રનની ઘટનામાં એક અજાણ્યા ટ્રક ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી.
ઇકો કારને અજાણ્યા ટ્રકે મારી ટક્કર
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણામાં રહેતો પરિવાર ઇકો કારમાં દેવભૂમિ દ્વારકા દર્શન કરવા ગયો હતો, અને ત્યાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. મધરાત્રે ધ્રોલ પાસે પહોંચતા એક પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે તેમની ઇકો કારને ઠોકરે ચડાવી હતી.
ધો. 10ના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત
આ ગંભીર અકસ્માતમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 18 વર્ષીય મેહુલજી ફુલજી ઠાકોર નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતક મેહુલજી બે ભાઈઓમાં નાનો હતો અને તેના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરાના મોતના સમાચારથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: જામનગરમાં બે મોતની ઘટના: યુવતીનું ડૂબવાથી તો બીજા બનાવમાં મહિલાનું ઉલ્ટી-ઉબકા થયા બાદ મોત
નણંદ-ભાભી ગંભીર રીતે ઘાયલ
ઇકો કારમાં સવાર 22 વર્ષીય દીપિકાબેન રાહુલજી ઠાકોર અને તેમના 24 વર્ષીય ભાભી સુમિત્રાબેન જીગરશી વધારેલાને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત નણંદ-ભોજાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ધ્રોલ પોલીસની તપાસ કાર્યવાહી
બીજી તરફ આ બનાવ અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ધ્રોલ પોલીસે આ હિટ એન્ડ રનના બનાવ અંગે નોંધ કરી છે, અને અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ટ્રક ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
