Jamnagar News: ધ્રોલ હોસ્ટેલમાં ધો.11ની વિદ્યાર્થિનીનો આપઘાત, પિતાએ કહ્યું- શુક્રવારે દીકરીને હોસ્ટેલમાં મૂકી આવ્યો ત્યારે બધું બરાબર હતું

પ્રાથમિક વિગતો અનુસાર, ધ્રોલની જી.એમ. પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની શાળાની જ હોસ્ટેલમાં રહેતી હતી. ગતરોજ સાંજે તેણે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 08 Mar 2026 12:34 PM (IST)Updated: Sun, 08 Mar 2026 12:34 PM (IST)
jamnagar-news-class-11-student-dies-by-suicide-in-dhrol-hostel

Jamnagar News: જામનગરના ધ્રોલમાં આવેલી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયની હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની વિગતો છે. 17 વર્ષીય વિદ્યાર્થિની ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. ગઇકાલે 7 માર્ચના રોજ તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તે મૂળ ખંભાળિયા પંથકની રહેવાસી હતી. પુત્રીના મોત બાદ પિતાએ યોગ્ય તપાસની માગ કરી છે.

પ્રાથમિક વિગતો અનુસાર, ધ્રોલની જી.એમ. પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની શાળાની જ હોસ્ટેલમાં રહેતી હતી. ગતરોજ સાંજે તેણે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકો અને ધ્રોલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ધ્રોલ પોલીસે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક પંચનામું કરી વિદ્યાર્થિનીના મૃતદેહને વધુ તપાસ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે હોસ્ટેલના રૂમની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ તેમજ હોસ્ટેલ સ્ટાફના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ભણવામાં તેજસ્વી એવી આ વિદ્યાર્થિનીએ કયા કારણોસર આત્મહત્યાનું પગલું ભર્યું તે અંગે કોઇ માહિતી હાલ સામે આવી નથી. મૃતકની સ્યૂસાઇડ નોટ મળી છે કે કેમ તે અંગે પણ હાલ કોઇ સ્પષ્ટતા પોલીસ દ્વારા કરાઈ નથી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

મૃતક વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે, હું શુક્રવારે મારી દીકરીને હોસ્ટેલમાં મૂકી આવ્યો ત્યારે બધું બરાબર હતું. પણ શનિવારે સાંજે 6:30 વાગ્યે ફોન આવ્યો કે તમારી દીકરી બોલતી નથી, તમે જલદી આવો. અમે ત્યાં ગયા તો મારી દીકરી હવે આ દુનિયામાં નથી. અમને શંકા છે કે, આમાં કંઈક ખોટું થયું છે. અમારી માગ છે કે, આની યોગ્ય તપાસ થાય અને મારી દીકરીને ન્યાય મળે.