Jamnagar: ખંભાળિયા નજીક હિટ એન્ડ રનનો બનાવ, ફુઆ-ભત્રીજાના કરુણ મોત

ખંભાળિયા હિટ એન્ડ રનના બનાવમાં ફુઆ-ભત્રીજાનું કરુણ મોત થયું, જ્યારે અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 03 Jan 2026 02:50 PM (IST)Updated: Sat 03 Jan 2026 02:50 PM (IST)
jamnagar-hit-and-run-incident-near-khambhaliya-death-of-2-person-667313
HIGHLIGHTS
  • ખંભાળિયા-જામનગર માર્ગ પર હિટ એન્ડ રનનો બનાવ
  • મોટરસાયકલને એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી
  • અકસ્માતમાં ફુવા-ભત્રીજાનું મૃત્યુ થયું, એક યુવક ઘાયલ

Khambhaliya-Jamnagar hit and run: ખંભાળિયા-જામનગર માર્ગ પર ગુરુવારે મોડી રાત્રીના સમયે એક ગોઝારો બનાવ બન્યો હતો. મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્ર અને ભત્રીજાને એક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ જીવલેણ અકસ્માતમાં ફુવા-ભત્રીજાનું મૃત્યુ થયું હતું. જ્યારે મૃતકના પુત્રને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.

ખંભાળિયા-જામનગર માર્ગ બન્યો ગોઝારો બનાવ

આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં નવાપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ભીમજીભાઈ પરમાર તેમના પુત્ર સચિનભાઈ તથા તેમના ભત્રીજા નિલેશભાઈ લાખાભાઈ પરમારને સાથે લઈને ગુરુવારે મોડી રાત્રીના સમયે તેમના GJ10CJ0950 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને દાતા ગામેથી પ્રસંગ પૂર્ણ કરીને ખંભાળિયા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. 

અજાણ્યા વાહનચાકે મોટરસાયકલને ટક્કર મારી

આ દરમિયાન દાતા ગામની ગોળાઈ નજીક મામાદેવના મંદિર પાસે પહોંચતા આ માર્ગ પરથી પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ફોર વ્હીલરના ચાલકે સુરેશભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઇકમાં જઈ રહેલા પિતા-પુત્ર અને ભત્રીજો ફંગોળાઈ ગયા હતા.

ફુઆ-ભત્રીજાનું મોત, એક યુવક ઈજાગ્રસ્ત

આ જીવલેણ અકસ્માતમાં સુરેશભાઈ ભીમજીભાઈ પરમાર અને તેમના ભત્રીજા નિલેશભાઈ લાખાભાઈ પરમારને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ફુઆ-ભત્રીજાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે મૃતક સુરેશભાઈના પુત્ર સચિનભાઈને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાયો

આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે. આ સમગ્ર ઘટના સંદર્ભે ખંભાળિયા પોલીસે મૃતક સુરેશભાઈના ભત્રીજા સુરેશભાઈ ભાણજીભાઈ પરમાર (ઉ.વ. 46, રહે. નવાપરા, ચુનારાવાસ)ની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે BNS તેમજ MV એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આગળની તપાસ PSI વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.