Panchayat Department Property: ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા એક ફાયદાકારક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પંચાયત હસ્તકની જમીન અને કચેરીઓની પડી રહેલી કે જર્જરિત મિલકત પર શોપિંગ સેન્ટર કે દુકાનો બાંધવામાં આવશે. આ માટે સરકારની યોજના અનુસાર આ મિલકતોને ખાનગી અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર વિકસાવાશે અને તેને ભાડે આપવામાં આવશે.
પંચાયત વિભાગનો ફાયદાકારક પ્લાન
આ પણ વાંચો
ગામમાં આવેલી પંચાયત હસ્તકની જમીન અને કચેરીઓની પડતર કે જર્જરિત મિલકતો હવે સંબંધિત પંચાયતોને મોટી કમાણી કરાવશે. આવી જમીન પર હવે શોપિંગ સેન્ટર કે દુકાનો બાંધવામાં આવશે. સરકારની યોજના અનુસાર આ મિલકતોને વિકસાવીને, તેને ભાડે આપવામાં આવશે.
આ ભાડાની આવકથી સંબંધિત પંચાયતો માટે ભંડોળ એકત્ર થશે, જે ત્યાંના સ્થાનિક વિકાસ માટે વાપરવામાં આવશે. આ મિલકતોથી થનારી હિસ્સો જિલ્લા પંચાયતોને આપવામાં આવશે. જોકે, પૂરેપૂરી આવક પંચાયતને મળશે કે તેમાંથી કેટલોક ભાગ સરકારને મળશે તે અંગેનો નિર્ણય મિલકત સંબંધિત વિગતો આવ્યા પછી કરવામાં આવશે.
મિલકતોનો ઉપયોગ ક્યાં થશે?
- સ્વૈચ્છિક સંસ્થા, સખી મંડળોને વ્યાજબી ભાડાથી જગ્યા મળશે
- ભાડાના મકાનમાં ચાલતી કચેરીઓને અહીં લાવવામાં આવશે
- કેટલીક જગ્યાએ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને લીઝ પર જમીન મળશે
- જો મિલકત હાઇવે પર હોય તો હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલપંપ, મોલ માટે લીઝ પર અપાશે
કરોડોની જમીન-મિલકત પડતર
પંચાયત વિભાગમાંથી મળતી માહિતી અનુસાર, રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતો પાસે ગ્રામ્ય વિસ્તારમાં ઘણી મિલકતો છે. જેમાંની કેટલીક ખંડેર દશામાં છે કે વારંવાર મરામત કર્યા પછી પણ કોઈ ઉપયોગી નથી. આ સિવાય ઘણા જમીન-મકાન પર ખાનગી લોકો દ્વારા દબાણ પણ કરવામાં આવ્યું છે. કેટલીક મિલકતો પંચાયત દ્વારા ભાડે આપવામાં આવે છે, જેમાં બજાર ભાવને બદલે સાવ સામાન્ય ભાડું લેવામાં આવે છે.
પંચાયત વિભાગે મંગાવી વિગતો
મળતી વિગત અનુસાર રાજ્યના તમામ જિલ્લા-તાલુકા વિકાસ અધિકારીઓ પાસે આવી મિલકતોની સંપૂર્ણ વિગતો પંચાયત વિભાગે તાત્કાલિક મંગાવી છે. જે તમામ મિલકતની કિંમત, ક્ષેત્રફળ, ભાડે આપી હોય તો ભાડું, મરામત પાછળના ખર્ચ સહિતની વિગતો એમાં આપવાની રહેશે.
પંચાયત વિસ્તારમાં કયા પ્રકારની મિલકતો?
પંચાયતોના વિશ્રાંતિ ગૃહ, સિંચાઇ કે પાણી પુરવઠાના મકાન, ખેતીવાડી અને બીજ કેન્દ્રો, વેરહાઉસ, કર્મચારીઓ માટે બનાવેલા આવાસ, શાળા, દવાખાના જેવી મિલકતોમાંથી ઘણી જર્જરિત અને વણવપરાયેલી છે. જો કે આ કિસ્સામાં પંચાયતની કચેરીઓને ધ્યાને લેવાશે નહીં. જો પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ પોતાનો હકારાત્મક અભિપ્રાય આપે તો જ આ મિલકતોને પુનર્વિકસિત કરી ભાડે અપાશે.
