One Nation-One Election JPC: 'વન નેશન-વન ઇલેક્શન' માટે રચવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ ગુજરાતની મુલાકાત દરમિયાન ચૂંટણી પ્રણાલી અને અવિશ્વાસ પ્રસ્તાવ અંગે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. તેમણે જણાવ્યું કે, "બંધારણમાં અવિશ્વાસ પ્રસ્તાવની કોઈ જોગવાઈ નથી, માત્ર એક પરંપરાનો હિસ્સો છે."
ગુજરાત પ્રવાસે આવ્યા JPC સભ્યો
આ પણ વાંચો
અધ્યક્ષ પીપી ચૌધરીની આગેવાની હેઠળ સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો તાજેતરમાં ગાંધીનગર પહોંચ્યા હતા. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય 'બંધારણ સુધારા બિલ 2024' અને 'કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ 2024' પર ગુજરાત રાજ્યનો અભિપ્રાય જાણવાનો હતો.
"બંધારણમાં અવિશ્વાસ પ્રસ્તાવની કોઈ જોગવાઈ નથી"
આ દરમિયાન સમિતિએ ગુજરાત સરકાર, વિવિધ રાજકીય પક્ષો, સામાજિક અને નાગરિક સંગઠનો તેમજ વેપારી સંગઠનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન અધ્યક્ષ પીપી ચૌધરીએ એક રસપ્રદ નિવેદન આપતા જણાવ્યું કે, ભારતીય બંધારણમાં સરકાર વિરુદ્ધ 'અવિશ્વાસ પ્રસ્તાવ' (No-Confidence Motion) લાવવાની કોઈ ઔપચારિક વ્યવસ્થા કે જોગવાઈ કરવામાં આવી નથી.
આમ છતાં, લોકતાંત્રિક વ્યવસ્થાની મર્યાદા અને પરંપરાના એક ભાગરૂપે જ તેનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરવાના હેતુથી જ સરકાર સામેના આ પ્રકારના પ્રસ્તાવને માન્ય રાખવામાં આવે છે.
2029 થી 2034 વચ્ચે સરકાર પડે તો શું થશે?
સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ એક અત્યંત વ્યાવહારિક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે જો 'વન નેશન-વન ઇલેક્શન' લાગુ થયા બાદ 2029 થી 2034 ના સમયગાળા દરમિયાન કોઈ રાજ્યમાં સરકાર પડી જાય કે બહુમતી ગુમાવે તો નવી ચૂંટણી કરવામાં આવશે કે અન્ય કોઈ વ્યવસ્થા થશે?
આના જવાબમાં અધ્યક્ષ પીપી ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જો આ સમયગાળામાં કોઈ સરકાર પડી જાય છે, તો નવેસરથી યોજાનારી ચૂંટણી માત્ર તે વિધાનસભાના 'બાકી રહેલા સમયગાળા' માટે જ કરાવવામાં આવી શકે છે. એટલે કે, નવી ચૂંટાયેલી સરકાર આખા પાંચ વર્ષ માટે નહીં, પરંતુ જૂની સરકારના બાકી વધેલા સમય પૂરતી જ સત્તા પર રહેશે.
આ પણ વાંચો: વન નેશન, વન ઇલેક્શન 2034 થી લાગુ થઈ શકે, ગુજરાતમાં 2032 માં બનશે અલ્પજીવી સરકાર, જાણો કેમ?
અવિશ્વાસ પ્રસ્તાવની જોગવાઈ અંગે દલીલ
આ અંગે પોતાની દલીલ રજૂ કરતા પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે, જો બંધારણમાં અવિશ્વાસ પ્રસ્તાવની જોગવાઈ ન હોવા છતાં લોકશાહીને મજબૂત કરવા માટે તેને માન્ય રાખવામાં આવતો હોય, તો વિશેષ સમયગાળાની વચ્ચે અલ્પકાળ (ટૂંકા સમય) માટે સરકારને ચૂંટવામાં શું વાંધો હોઈ શકે?
આ ટિપ્પણીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર દેશમાં એક સાથે ચૂંટણીના સમયપત્રકને ખોરવાતું અટકાવવા માટે મધ્યસત્ર ચૂંટણીઓને માત્ર બાકી રહેલી મુદત પૂરતી જ સીમિત રાખવાની દિશામાં મજબૂત વિચારણા કરી રહી છે.
