One Nation One Election: એક સાથે થતી ચૂંટણી લોકશાહી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને મતદારોમાં જાગૃતિ વધારશેઃ ભાજપ

ચૂંટણી ખર્ચમાં ઘટાડો કરવાનો હેતુ અનાવશ્યક પુનરાવર્તિત ખર્ચ ઘટાડીને તે સંસાધનોને આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનકલ્યાણ માટે વધુ અસરકારક રીતે વાપરવાનો છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 May 2026 07:00 AM (IST)Updated: Thu, 21 May 2026 07:00 AM (IST)
one-nation-one-election-will-further-strengthen-democratic-participation-and-increase-awareness-among-voters-says-bjp
HIGHLIGHTS
  • એક દેશ એક ચૂંટણીથી પ્રાદેશિક પાર્ટીઓનો કોઈ નુકસાન નહીં થાયઃ ભાજપ
  • સમકાલીન ચૂંટણીથી સરકારોને વિકાસ અને સુશાસન પર વધુ કેન્દ્રિત રીતે કાર્ય કરવાની તક મળશે

One Nation One Election: ભાજપના વરિષ્ઠ નેતા તથા રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ભાજપાના કોષાધ્યક્ષ પરિંદુ ભગત તેમજ પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' સંદર્ભે ભાજપ વતી ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યાં તેમણે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' સંબંધિત સંવિધાન (129મો સુધારા) વિધેયક, 2024 તથા કેન્દ્રીય શાસિત પ્રદેશ કાયદા (સુધારા) વિધેયક, 2024 અંગે પક્ષનો વિગતવાર અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમજ વિપક્ષની દલીલો સામે તથ્યસભર રજૂઆત કરી હતી.

આ સંદર્ભે ભુપેન્દ્ર ચુડાસમા, પરિંદુ ભગત તેમજ ડૉ. અનિલ પટેલે સંયુક્તપણે જણાવ્યું કે, JPC સમક્ષ ભારતીય જનતા પાર્ટીએ તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' દેશના લોકશાહી માળખાને વધુ સુવ્યવસ્થિત, કાર્યક્ષમ અને શાસનકેન્દ્રિત બનાવનાર દુરંદેશી સુધારો છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નવી ગતિ મળી છે.

સમકાલીન ચૂંટણીઓથી વારંવાર લાગુ પડતી આચારસંહિતા, પુનરાવર્તિત ચૂંટણી ખર્ચ, વહીવટી તંત્ર પરનો ભાર, તથા સતત ચાલતા રાજકીય અભિયાનના વાતાવરણમાં ઘટાડો થશે અને શાસનમાં સ્થિરતા, સાતત્યતા તથા વિકાસલક્ષી નિર્ણયક્ષમતામાં વધારો થશે.

વારંવાર યોજાતી ચૂંટણીઓના કારણે શાસનતંત્ર સતત ચૂંટણીની સ્થિતિમાં રહે છે, જેના પરિણામે વિકાસલક્ષી કામો, વહીવટી નિર્ણયો, ટેન્ડર પ્રક્રિયા, નીતિગત જાહેરાતો તથા લાંબા ગાળાની યોજના અમલીકરણ પ્રક્રિયા પર અસર પડે છે. સમકાલીન ચૂંટણીથી સરકારોને વિકાસ અને સુશાસન પર વધુ કેન્દ્રિત રીતે કાર્ય કરવાની તક મળશે.

ભાજપાએ સ્પષ્ટ કર્યું હતું કે, સમકાલીન ચૂંટણીઓથી પ્રાદેશિક મુદ્દાઓ કે પ્રાદેશિક પક્ષોને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે ભારતીય મતદારો રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના મુદ્દાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ કરવાની પરિપક્વતા ધરાવે છે.

પ્રાદેશિક પક્ષો પોતાની વિચારધારા, ઘોષણાપત્ર, ઉમેદવારો અને પ્રાદેશિક એજન્ડા સ્વતંત્ર રીતે રજૂ કરવા માટે સંપૂર્ણપણે મુક્ત રહેશે. આ પ્રસ્તાવ ભારતના સંઘીય માળખાને કોઈ રીતે અસર કરતો નથી, કારણ કે રાજ્ય સરકારોની સંવિધાનિક સત્તાઓ, વિધાનસભાની શક્તિઓ તથા રાજ્યોની સ્વાયત્તતા યથાવત્ રહેશે.

સમકાલીન ચૂંટણીઓ લોકશાહી ભાગીદારીને વધુ મજબૂત બનાવશે, મતદારોમાં જાગૃતિ વધારશે તથા ચૂંટણી પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવશે. સાથે જ મધ્યાવધિ ચૂંટણીઓ માટે બાકીના કાર્યકાળની જોગવાઈને પણ લોકશાહી અને સંવિધાનિક રીતે યોગ્ય ગણાવવામાં આવી હતી.