વન નેશન, વન ઇલેક્શન 2034 થી લાગુ થઈ શકે, ગુજરાતમાં 2032 માં બનશે અલ્પજીવી સરકાર, જાણો કેમ? 

વન નેશન, વન ઇલેક્શન નિયમ લાગુ થતા નાગરિકો 5 વર્ષમાં એક વાર જ મત આપી શકશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 22 May 2026 09:19 AM (IST)Updated: Fri, 22 May 2026 09:20 AM (IST)
one-nation-one-election-effective-from-2034-pp-chaudhary-gujarat-news
HIGHLIGHTS
  • 2032 માં રચાશે દોઢ વર્ષની ગુજરાત સરકાર
  • 2034 થી લાગુ થશે વન નેશન-વન ઇલેક્શન

One Nation One Election JPC: વન નેશન-વન ઇલેક્શન માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ હાલમાં ગુજરાતની મુલાકાત દરમિયાન આ મેગા ઇલેક્શન પ્લાન અંગે કેટલાક મોટા ખુલાસા કર્યા છે. સમિતિના કથન પરથી એ નિષ્કર્ષ આવે છે કે ભારતમાં 2034 થી 'વન નેશન, વન ઇલેક્શન' નો નિયમ લાગુ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

ગુજરાતમાં 2032 ની સરકાર અલ્પજીવી કેમ રહેશે?

અધ્યક્ષ પીપી ચૌધરીના જણાવ્યા મુજબ, વન નેશન-વન ઇલેક્શન પ્રણાલીના પાલન માટે એક સિંક્રોનાઇઝ સિસ્ટમ લાગુ કરવી પડશે. આ સિસ્ટમ હેઠળ 2034 માં યોજાનારી લોકસભા ચૂંટણી વખતે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થોડા સમય પહેલા જ યોજાઈ હશે, ત્યાં નવેસરથી ચૂંટણી કરાવવાની રહેશે.

આ સંજોગોમાં, ગુજરાતમાં વર્ષ 2032 માં આવનારી વિધાનસભાની ચૂંટણી બાદ બનનારી સરકાર માત્ર દોઢ વર્ષ માટે જ સત્તા ભોગવી શકશે અને 2034 માં નવેસરથી ચૂંટણી કરવી પડી શકે છે.

સ્થાનિક પ્રશ્નો અને રાષ્ટ્રીય મુદ્દાઓનો ભેદ

ઘણા વિવેચકોનો એવો મત હોય છે કે એક સાથે ચૂંટણી યોજાવાથી રાષ્ટ્રીય મુદ્દાઓની સાપેક્ષે રાજ્યના કે સ્થાનિક પ્રશ્નો ઢંકાઈ જશે. પરંતુ સમિતિના અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે, મતદારો એટલા સમજદાર છે કે તેઓ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મુદ્દા વચ્ચે સ્પષ્ટ ભેદ કરી શકે છે.

'મફતની રેવડી' આપવા પર સમિતિ લાલઘૂમ

આજે વિવિધ રાજકીય પક્ષો મહિલાઓ અને યુવાનો જેવા મતદાર વર્ગોને માસિક ધોરણે અમુક રકમ આપવાની જાહેરાત કરીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે. સમિતિ આ પ્રણાલીની વિરુદ્ધમાં પોતાનો અભિપ્રાય આપશે. અધ્યક્ષ પીપી ચૌધરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મફત આપવાની ઘોષણા કરવી એ ભારત જેવા વિકાસશીલ દેશ માટે મુશ્કેલ સમસ્યા બની શકે છે.

માત્ર એક જ વાર મતદાન, પક્ષાંતર ધારો

નેતાઓના પક્ષ પલટા અંગે અધ્યક્ષ પીપી ચૌધરીએ જણાવ્યું કે, જો ચૂંટાયા બાદ પક્ષ પલટો કરતા રોકવાની જોગવાઇ પક્ષાંતર ધારા હેઠળ વધુ કડક કરવામાં આવશે તો, તે ન્યાયિક પ્રક્રિયામાં ગૂંચવાઇ જશે. વન નેશન વન ઇલેક્શનની વિભાવના હેઠળ નાગરિકો તો પાંચ વર્ષમાં માત્ર એક જ વાર મતદાન કરી શકશે, પરંતુ નેતાઓ પોતાના મત બદલીને પક્ષ પલટો કરી શકશે.

જર્મનીના બંધારણીય મોડલનો અભ્યાસ

સરકારની સ્થિરતા માટે કમિટીએ જર્મનીના બંધારણીય મોડલનો અભ્યાસ કરીને એક નવી જોગવાઇની વિચારણા કરી છે. આ જોગવાઈ મુજબ જ્યારે કોઈ સરકારના વડા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે ત્યારે સમાંતર રીતે વિશ્વાસની દરખાસ્ત પણ મૂકવી પડશે. 

સમાંતર રીતે વિશ્વાસની દરખાસ્ત મૂકવાથી સરકારના વડા તરીકે અન્ય કોણ યોગ્ય છે તેનો વિકલ્પ સૂચવી શકાય. આના માટે ફ્લોર ટેસ્ટ દ્વારા ગૃહનો મત મેળવીને પછી જ બન્ને દરખાસ્તોને સાથે પસાર કરવાની રહેશે.