One Nation One Election: દેશમાં ચૂંટણી સુધારણા તરફ આગળ વધી રહેલી વન નેશન વન ઇલેક્શનની કલ્પનાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મજબૂત સમર્થન આપ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ની મહત્વની બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યોના પ્રતિભાવો અને સુઝાવો રજૂ કરતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે, આ સુધારાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થશે.
બંધારણીય સુધારાઓથી વહીવટમાં આવી એકરૂપતા
આ પણ વાંચો
જેપીસી સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 11 વર્ષથી વધુ સમયગાળામાં દેશે અનેક ઐતિહાસિક અને પ્રગતિશીલ બંધારણીય સુધારાઓ જોયા છે. જેમાં ‘વન નેશન, વન ટેક્સ’ (GST), ‘વન નેશન, વન રાશન કાર્ડ’, ‘વન નેશન, વન ગ્રીડ’ અને ‘વન નેશન, વન સબસ્ક્રીપ્શન’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે. આ તમામ નીતિઓને કારણે દેશના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને એકરૂપતા આવી છે, અને હવે આ કડીમાં 'વન નેશન વન ઇલેક્શન' દેશના વિકાસ માટે એક માઈલસ્ટોન સાબિત થશે.
વારંવારની ચૂંટણીઓથી સરકારી તંત્ર અને ઉત્પાદકતા પર વિપરીત અસર
મુખ્યમંત્રીએ આ વ્યવસ્થાના આર્થિક અને વ્યવહારિક પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વારંવાર યોજાતી ચૂંટણીઓને કારણે સરકારી તંત્ર સતત આચારસંહિતા અને ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત રહે છે, જેનાથી વહીવટી કાર્યક્ષમતા મંદ પડે છે. ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવરનો ઉપયોગ થાય છે, જેનો આર્થિક બોજ રાજ્ય તિજોરી પર પડે છે.
ગુજરાત જેવા ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યનું ઉદાહરણ આપતા સીએમ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં અન્ય રાજ્યોના લાખો શ્રમિકો રોજગારી મેળવે છે. જ્યારે પણ તેમના વતનમાં કે લોકસભાની ચૂંટણીઓ આવે છે, ત્યારે આ શ્રમિકોના મોટા વર્ગને મતદાન કરવા માટે પોતાના વતન જવું પડે છે. લાંબી રજાઓના કારણે ઉદ્યોગોમાં માનવબળની અછત સર્જાય છે અને રાજ્યના પ્રોડક્શન પર તેની સીધી અને વિપરીત અસર પડે છે.
15 વર્ષ સુધી સાથે જ યોજાતી હતી ચૂંટણીઓ: ઇતિહાસનો હવાલો
પોતાના પ્રતિભાવમાં મુખ્યમંત્રીએ દેશના રાજકીય ઇતિહાસનો ઉલ્લેખ કરતા યાદ અપાવ્યું હતું કે, આઝાદી પછી શરૂઆતના સતત 15 વર્ષ સુધી લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે જ યોજાતી હતી. પરંતુ સમય જતાં ઊભી થયેલી રાજકીય અસ્થિરતાને કારણે આ સુદ્રઢ વ્યવસ્થા તૂટી ગઈ હતી. હવે સમય પાકી ગયો છે કે રાષ્ટ્રહિતમાં આ જૂની અને સફળ વ્યવસ્થાને પુનઃજીવિત કરવામાં આવે.
રાષ્ટ્રહિતનો સુધારો: લોકશાહી બનશે વધુ જીવંત
ભૂપેન્દ્ર પટેલે આ પ્રસ્તાવિત બંધારણીય સુધારાને સંપૂર્ણપણે રાષ્ટ્રહિતમાં ગણાવ્યો છે. તેમના મતે, આ વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યેનો ઉત્સાહ વધશે અને ભારતીય લોકશાહીમાં જનભાગીદારી વધુ સુદ્રઢ બનશે.
અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે, દેશના વિવિધ રાજ્યો અને રાજકીય પક્ષોના વિચારો જાણીને જેપીસી (JPC) તમામ મતોને એકસૂત્રતામાં પરોવશે, જે દેશને ચૂંટણી પ્રક્રિયાના એક નવા અને સકારાત્મક માર્ગ તરફ દોરી જશે.
