PM Modi advice to Gen Z: આજના ડિજિટલ યુગમાં જ્યાં યુવા પેઢી (Gen-Z)નો મોટાભાગનો સમય સ્માર્ટફોનની સ્ક્રીન પર 'રીલ્સ' સ્ક્ર્રોલ કરવામાં વિતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને એક આંખ ઉઘાડનારી સલાહ આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન પ્રસંગે PM મોદીએ યુવાનોને શોર્ટકટ છોડીને દેશના મહાનુભાવોના જીવન સંઘર્ષમાંથી પ્રેરણા લેવા અને આત્મકથાઓ વાંચવાની આદત કેળવવા અપીલ કરી હતી.
"રીલ્સનો જમાનો છે, પણ શોર્ટકટથી બચો"
કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાને યુવા પેઢી પર સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રભાવ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે- આજે રીલ્સનો યુગ છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ યુવાનોને પોતાના વલણ તરફ ખેંચી જાય છે. પરંતુ શોર્ટકટ શોધવાની આ દોડમાં એક બાબત હંમેશા યાદ રાખવી જોઈએ—રેલવે સ્ટેશન પર જેમ લખેલું હોય છે કે 'શોર્ટકટ તમારી જિંદગી ટૂંકી કરી શકે છે', તેમ જીવનમાં પણ શોર્ટકટ નુકસાન પહોંચાડી શકે છે.
PM મોદીએ ઉમેર્યું હતું કે આત્મકથા વાંચવાથી યુવાનોને કોઈ ખાસ સમયગાળાના ઇતિહાસને એક અલગ અને અનન્ય દૃષ્ટિકોણથી સમજવાની તક મળે છે. જીવનનો વાસ્તવિક અનુભવ અને સંઘર્ષ પુસ્તકોમાંથી જ મળે છે, જે ભવિષ્ય નિર્માણમાં મદદરૂપ થાય છે.
રામનાથ કોવિંદના જીવન સંઘર્ષની સફર
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પુસ્તક 'ટ્રાયમ્ફ ઑફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ'નું વિમોચન કરતા PM મોદીએ તેમના જીવનના દૃઢ સંકલ્પની પ્રશંસા કરી હતી.
પરિસ્થિતિ સામે ઝૂક્યા નહીં
કોવિંદજીનું જીવન એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કોઈ વ્યક્તિ અત્યંત સામાન્ય પરિસ્થિતિઓમાંથી આવીને પણ પોતાના સંકલ્પબળથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે છે.
નિવૃત્તિ પછી પણ દેશસેવા
રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પણ તેઓ આરામ કરવાને બદલે જાહેર જીવનમાં સક્રિય છે. ખાસ કરીને ભારતીય લોકશાહીને મજબૂત બનાવતી 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' (One Nation, One Election) જેવી મહત્વની પહેલ પર તેઓ સતત યોગદાન આપી રહ્યા છે.
ભાજપનો Gen-Z સાથે કનેક્ટ થવાનો માસ્ટરપ્લાન
વડાપ્રધાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સરકાર સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા યુવા પેઢી સાથે સીધો સંપર્ક સાધવાના પ્રયાસો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પરીક્ષાઓના લીક મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શનો બાદ વડાપ્રધાને પોતાના મંત્રીઓને ઇન્સ્ટાગ્રામ પર વધુ સક્રિય થવા અને રીલ્સ જેવા માધ્યમોનો ઉપયોગ કરીને યુવાનો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા નિર્દેશ આપ્યા હતા. PM મોદી પોતે પણ યુવા પ્રોગામ્સ અને એવોર્ડ્સના રીલ્સ અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
'આત્મનિર્ભર ભારત' માટે યુવાનોનું યોગદાન જરૂરી
આત્મકથા યુવાનો માટે પ્રેરણાનો સ્રોત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા PM મોદીએ અંતમાં જણાવ્યું કે- આપણને ભવિષ્યમાં એવા અનેક યુવાનોની જરૂર છે જે રામનાથ કોવિંદ જેવા દૃઢ મનોબળ ધરાવતા હોય. એવા યુવાનો જે વિપરીત પરિસ્થિતિઓ સામે હાર ન માને પરંતુ દરેક પડકારને પાર કરીને આગળ વધે. આવા સક્ષમ યુવાનો જ 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરશે.
