One Nation, One Election JPC: 'વન નેશન, વન ઇલેક્શન' મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) દેશના વિવિધ રાજ્યોમાં જઈને રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. આ કડીમાં કાયદાવિદ પી.પી. ચૌધરીની અધ્યક્ષતામાં JPC ના 39 સભ્યો (લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદ) આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
ગિફ્ટ સિટીમાં રોકાણ અને મહત્વપૂર્ણ બેઠકો
આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન કમિટીના તમામ સભ્યો, જેમાં પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા, અનુરાગ ઠાકુર, સુપ્રિયા સુલે, મનીષ તિવારી અને બાંસુરી સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે, તેઓ ગિફ્ટ સિટી ક્લબમાં રોકાણ કરશે. આ મુલાકાત દરમિયાન કમિટી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી તેમના અભિપ્રાય મેળવશે. આ મુદ્દે કમિટીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ આજે સાંજે 5:30 વાગ્યે ગિફ્ટ સિટી ખાતે યોજાવા જઈ રહી છે.
બ્યુરોક્રેટ્સ સાથે બંધારણીય સુધારા મુદ્દે ચર્ચા
'વન નેશન-વન ઇલેક્શન' અમલી બનાવવા માટે જરૂરી બંધારણીય ફેરફાર કરવાના હોવાથી, પ્રથમવાર સંસદની JPC દ્વારા રાજ્યના વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી રહી છે. સમિતિએ ચીફ સેક્રેટરી મનોજ દાસ, DGP કે.એન.એલ. રાવ અને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન સહિત 10 થી વધુ વરિષ્ઠ સચિવોને આ બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે. રાજ્યના બ્યુરોક્રેટ્સ સાથે ત્રણથી ચાર કલાક સુધી વિગતવાર ચર્ચા થઈ શકે છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાજકીય પક્ષો સાથે 20 મેના રોજ બેઠક
આ સમિતિએ આગામી 20 મે, બુધવારના રોજ તમામ રાજકીય પક્ષોને પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે આમંત્રિત કર્યા છે. આ પરામર્શ અંગે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ આ દેશવ્યાપી ચૂંટણીના વિચારના સંપૂર્ણ સમર્થનમાં છે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે, આ લોકોના અધિકારો પર અસર કરતો મુદ્દો હોવાથી તેઓ સમિતિ સમક્ષ પોતાની ચિંતાઓ મૂકશે.
વર્ષ 2029 માં એક સાથે ચૂંટણી યોજાશે?
અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી પેનલે 191 દિવસના સંશોધન બાદ 18,626 પાનાનો વિશાળ રિપોર્ટ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે બંધારણમાં નવી કલમ 82-એ ઉમેરવા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.
જો આ બંધારણીય સુધારાની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે, તો વર્ષ 2029થી દેશમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવાની શક્યતા છે. ભારતમાં અગાઉ આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967 માં પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ યોજાઈ હતી.
