Gujarat Census 2027: ભારતમાં કોવિડ-19ના કારણે મુલતવી રહેલી 16મી વસ્તી ગણતરીની પ્રક્રિયાનો હવે પ્રારંભ થઈ ચૂક્યો છે. હાલ 15 દિવસ ચાલનાર સ્વ-ગણતરીની પ્રક્રિયા બાદ બાદ 1 જૂનથી સરકાર દ્વારા નિમણુંક કરેલ અધિકારીઓ મકાન ગણતરી (House Listing) માટે આપના ઘરે આવશે.
જાગૃત બનો, સુરક્ષિત રહો
જ્યારે પણ વસ્તી ગણતરી (Census 2027) કે કોઈ સત્તાવાર સરકારી સર્વે માટે અધિકારી તમારા ઘરે આવે, ત્યારે એક જાગૃત નાગરિક તરીકે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આ સાવચેતીઓ તમને કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચાવશે અને સરકારને વિકાસના આયોજન માટે સાચો ડેટા પૂરો પાડવામાં પણ મદદરૂપ થશે.
ઓળખપત્રની (ID Card) ચકાસણી કરો
- સૌથી પહેલું અને મહત્વનું પગલું જે-તે વ્યક્તિની ઓળખ સુનિશ્ચિત કરવી છે.
- અધિકારીને ઘરમાં પ્રવેશ આપતા પહેલાં તેમનું સરકારી ઓળખપત્ર (Identity Card) ચોક્કસ માંગો.
- ID કાર્ડ પર તેમનું નામ, ફોટો, હોદ્દો અને સરકારી સિક્કો અથવા ડીઝીટલ સાઈન ચેક કરો.
- જો તમને શંકા જણાય તો તમારા વિસ્તારના કોર્પોરેટર, પોલીસ કે સોસાયટી પ્રમુખનો સંપર્ક કરવો હિતાવહ છે.
હંમેશા સાચી અને સચોટ માહિતી આપો
વસ્તી ગણતરી દેશ અને રાજ્યના વિકાસના આયોજન માટે ખૂબ અગત્યની પ્રક્રિયા હોવાથી તમારા પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, શિક્ષણ અને વ્યવસાય અંગે સાચી માહિતી જ આપો. ખોટી માહિતી આપવી એ કાયદાકીય ગુનો બને છે અને તેનાથી સરકારી યોજનાઓના આંકડા ખોરવાઈ શકે છે.
ગોપનીયતા: આ સવાલોના જવાબ ન આપો!
અધિકૃત વસ્તી ગણતરીના ફોર્મમાં ક્યારેય તમારી અત્યંત સંવેદનશીલ વ્યક્તિગત માહિતી માંગવામાં આવતી નથી, જો કોઈ આવી વિગતો માંગે તો સાવધાન થઈ જાવ અને માહિતી આપવાનો ઇનકાર કરો:
- તમારી આવક: તમારી મહિનાની કમાણી કે બેંક બેલેન્સ અંગે માહિતી ન આપો.
- બેંક વિગતો: બેંક ખાતા નંબર કે ATM કાર્ડ નંબર અંગે માહિતી ન આપો.
- OTP કે UPI પિન: ક્યારેય પણ OTP (વન ટાઈમ પાસવર્ડ) કે UPI પિન આપશો નહીં.
- દસ્તાવેજ: પાન કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર બતાવવા માટે દબાણ ન કરી શકે.
- મિલકતની વિગત: મિલકતના દસ્તાવેજો કે સોના-દાગીનાની વિગતો ન આપવી.
- પૈસાની માંગણી: જો કોઈ અધિકારી પૈસાની માંગણી કરે, તો સમજી લેવું કે તે નકલી છે.
આ પણ વાંચો: Census 2027: ગુજરાતમાં જૂનથી શરૂ થશે વસ્તી ગણતરી, જાણો પરિવાર દીઠ પૂછાનારા 33 સવાલોનું લિસ્ટ
ઓરિજિનલ દસ્તાવેજ આપવા જરૂરી નથી
પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી પતી જાય તે માટે પરિવારના મુખ્ય સભ્યોના આધાર કાર્ડ, જન્મ તારીખના પુરાવા કે ચૂંટણી કાર્ડ હાથવગા રાખવા સારા. સામાન્ય રીતે અધિકારીઓ ફક્ત વિગતો વેરિફાય કરવા માટે જ આ દસ્તાવેજો જુએ છે, તેઓ ઓરિજિનલ દસ્તાવેજ પોતાની સાથે લઈ જતા નથી.
ડિજિટલ ગણતરી દરમિયાન સજાગ રહો
મોબાઈલ એપ કે ટેબ્લેટ દ્વારા ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવે છે. અધિકારી જ્યારે માહિતી એન્ટર કરતા હોય ત્યારે ખાતરી કરો કે તમે આપેલી માહિતી જ તેમણે ટાઈપ કરી છે. ફોર્મ સબમિટ થયા બાદ જો કોઈ કન્ફર્મેશન મેસેજ કે સ્લિપ મળતી હોય, તો તેની વિગત નોંધી લેવી. સાચો નાગરિક એ જ છે જે ડર્યા વિના જાગૃત રહીને વસ્તી ગણતરીમાં પોતાનો સહયોગ આપે છે.
