Gujarat Census 2026: ભારતમાં કોવિડ-19ના કારણે મુલતવી રહેલી 16મી વસ્તી ગણતરીની પ્રક્રિયાનો હવે પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લે 2011 માં વસ્તી ગણતરી થઈ હતી, અને હવે 2026-27માં આ પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં આ ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ આગામી જૂન મહિનાથી થશે.
બે તબક્કામાં હાથ ધરાશે ગણતરી
ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા આ વખતે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં હાઉસલિસ્ટિંગ એટલે કે ઘરની માહિતી એકત્ર કરવી એકત્ર કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં મુખ્ય વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં કર્મચારીઓ દ્વારા દરેક પરિવાર દીઠ 33 જેટલા સવાલો પૂછવામાં આવશે.
પ્રથમ વખત 'સ્વ-ગણતરી' સુવિધા
આ વખતે ઘરે-ઘરે સર્વેક્ષણ શરૂ થાય તેના 15 દિવસ પહેલા જ નાગરિકોને પોતાની માહિતી જાતે ઓનલાઈન પોર્ટલ પર ભરવાની તક આપવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે વૈકલ્પિક છે, અને તે માટે 16 ભાષાઓની પસંદગી ઉપલબ્ધ છે. જે લોકો ઓનલાઈન ફોર્મ ભરશે તેમનો ડેટા ચકાસવા માટે પણ સરકારી કર્મચારીઓ તેમના ઘરે જશે.
ઘરે બેઠા સ્વ-જનગણના કેવી રીતે કરશો?
- પોર્ટલ પર જાવ: મોબાઈલ કે કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં
http://se.census.gov.inપોર્ટલ ખોલો. - રાજ્ય પસંદ કરો અને રજિસ્ટ્રેશન કરો: ડ્રોપ ડાઉનમાંથી તમારું રાજ્ય પસંદ કરી કેપ્ચા ભરો. ત્યારબાદ પરિવારના મુખ્ય વ્યક્તિનું નામ નોંધાવો (જે પાછળથી બદલી શકાશે નહીં).
- OTP વેરિફિકેશન: મોબાઈલ પર આવેલો 6 આંકડાનો OTP દાખલ કરી ભાષા પસંદ કરો (ભાષા પણ પાછળથી બદલી શકાશે નહીં). એક ઘર માટે ફક્ત એક જ મોબાઈલ નંબર વાપરી શકાશે.
- માહિતી ભરો:
- સેક્શન A: મકાનની વિગત (લોકેશન મેપ પર માર્ક કરો, મકાનનો પ્રકાર, દીવાલ, છત, ફ્લોર વગેરે)
- સેક્શન B: પરિવાર સંબંધિત માહિતી (લોકોની સંખ્યા, રૂમ, મેરિડ કપલ વગેરે)
- સેક્શન C: સુવિધા અને સંપત્તિની માહિતી (પાણી, વીજળી, શૌચાલય, ટીવી, ફ્રીજ, કાર, મોબાઈલ વગેરે)
- SE ID સેવ કરો: તમામ જાણકારી ચેક કરી ફાઇનલ સબમિટ કર્યા પછી એક SE ID જનરેટ થશે. તેનો સ્ક્રીનશોટ અથવા પ્રિન્ટ લઈને રાખો અને જ્યારે કર્મચારી ઘરે આવે ત્યારે તેમને બતાવો.
દરેક ઘર બનશે 'ડિજી ડોટ', 5 મોટા ફાયદા
આ વસ્તી ગણતરીમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થશે, જેમાં દરેક ઘરને ડિજિટલ મેપ પર 'ડિજી ડોટ' તરીકે દર્શાવવામાં આવશે. આ અત્યાધુનિક ડિજિટલ લેઆઉટના મુખ્ય 5 ફાયદા છે.
- આપત્તિમાં સચોટ રાહત: વાદળ ફાટવા, પૂર કે ભૂકંપ જેવી આપત્તિના સમયે આ મેપથી તરત જ જાણી શકાશે કે કયા ઘરમાં કેટલા લોકો રહે છે. આનાથી બોટ, હેલિકોપ્ટર અને ફૂડ પેકેટ જેવી બચાવ કામગીરી ઝડપી અને સચોટ બનશે.
- સીમાંકનમાં સરળતા: જીઓ ટેગિંગથી તૈયાર થયેલા મેપથી ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોનું સંતુલિત વિભાજન સ્પષ્ટ થશે, જેનાથી સંસદીય અને વિધાનસભા ક્ષેત્રોના સીમાંકનની પ્રક્રિયા સરળ રહેશે.
- શહેરી આયોજન: ડિજિટલ લેઆઉટની મદદથી જે વિસ્તારમાં બાળકોની સંખ્યા વધુ હશે ત્યાં શાળા અને બગીચાઓ બનાવવાની પ્રાથમિકતા આપી શકાશે. તેમજ કાચા મકાનોવાળા વિસ્તારમાં મેડિકલ ઇમરજન્સી વખતે તાત્કાલિક રાહત વાન મોકલી શકાશે.
- શહેરીકરણ અને સ્થળાંતરના ડેટા: આગામી 10 વર્ષ પછી થનારી વસતિ ગણતરી સાથે તુલના કરીને, દેશમાં શહેરીકરણનો દર અને લોકોના સ્થળાંતરની સચોટ માહિતી મેળવી શકાશે.
- મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામ દૂર થશે: આધારની ઓળખ સાથે જિયો ટેગિંગ જોડાવાથી, મતદારના મૂળ નિવાસનું સરનામું સામે આવશે, જેથી મતદાર યાદી વધુ મજબૂત બનશે અને બેવડા રજીસ્ટ્રેશન (ડુપ્લિકેટ નામ) દૂર કરવામાં સહાય મળશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં રાજ્યનું પ્રથમ સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ કાર્યરત, વાહનોની સંખ્યા જોઈ જાતે બદલાશે લાઈટ
ધ્યાન રાખો: આ સવાલોના જવાબ ન આપો
જ્યારે ગણતરી માટે સરકારી કર્મચારી તમારા ઘરે આવે ત્યારે અમુક અંગત માહિતી આપવાથી બચવું જરૂરી છે. જો કર્મચારી નીચે મુજબની માહિતી માંગે તો તેનો ઇનકાર કરો:
- તમારી આવક: તમારી મહિનાની કમાણી કે બેંક બેલેન્સ અંગે માહિતી ન આપો.
- બેંક વિગતો: બેંક ખાતા નંબર કે OTP જેવી ખાનગી વિગતો આપશો નહીં.
- દસ્તાવેજ: આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા અન્ય કોઈ ઓળખપત્ર બતાવવા માટે કોઈ દબાણ કરી શકશે નહીં. દસ્તાવેજો અપલોડ કરવાની પણ કોઈ જરૂરિયાત નથી.
