Census 2027 Self Enumeration: વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે આ વખતે ટેકનોલોજીના માધ્યમથી સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપે હાથ ધરવામાં આવશે. આ વખતની વસ્તી ગણતરીની સૌથી મહત્વની વિશેષતા 'સેલ્ફ-એન્યુમેરેશન' (Self-Enumeration) સુવિધા છે. આ પ્રક્રિયા હેઠળ નાગરિકો હવે ગણતરીકારની રાહ જોયા વગર પોતાના પરિવારની વિગતો ઓનલાઈન પોર્ટલ પર જાતે જ નોંધી શકશે. ડિજિટલ ઈન્ડિયાના અભિગમને વેગ આપતી આ પ્રક્રિયા અત્યંત સરળ છે અને તેને પૂર્ણ કરવામાં આશરે 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે.
વસ્તી ગણતરી 2027 સેલ્ફ-એન્યુમેરેશન । Census 2027 Self Enumeration
નાગરિકો નીચે મુજબની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા દ્વારા પોતાનું ફોર્મ ભરી શકે છે:
- સ્ટેપ 1 (વેબસાઇટની મુલાકાત): સૌ પ્રથમ 'Census of India 2027' ની સત્તાવાર વેબસાઇટ પર લોગ-ઈન કરો.
- સ્ટેપ 2 (રાજ્યની પસંદગી): ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમારું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ (UT) પસંદ કરો અને કેપ્ચા (Captcha) કોડ દાખલ કરી આગળ વધો.
- સ્ટેપ 3 (રજીસ્ટ્રેશન): પરિવારના મુખ્ય સભ્યનું નામ, મોબાઈલ નંબર અને પસંદગીની ભાષા સબમિટ કરો. ત્યારબાદ મોબાઈલ પર આવેલા OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો.
- સ્ટેપ 4 (સરનામાની વિગત): તમારા જિલ્લા, શહેર/ગામ, વિસ્તાર અને લેન્ડમાર્કની માહિતી ભરો. ડિજિટલ મેપ પર તમારા ઘરનું ચોક્કસ લોકેશન માર્ક કરી 'Save and Next' પર ક્લિક કરો.
- સ્ટેપ 5 (માહિતીની નોંધણી): આ વિભાગમાં ઘરની સ્થિતિ અને પરિવારના સભ્યોને લગતા પૂછવામાં આવેલા પ્રશ્નોના સચોટ જવાબ આપો.
- સ્ટેપ 6 (ચકાસણી અને સબમિટ): ફોર્મ સબમિટ કરતા પહેલા તમામ વિગતો ફરી એકવાર તપાસી લો. જો કોઈ ભૂલ હોય તો સુધારો (Edit) કરો અને ત્યારબાદ 'Final Submit' બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 7 (SEID નંબર): પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ક્રીન પર એક SEID (Self Enumeration ID) જનરેટ થશે. ભવિષ્યના સંદર્ભ માટે આ નંબરને સુરક્ષિત રીતે સાચવી લેવો અનિવાર્ય છે.
મહત્વપૂર્ણ સમયમર્યાદા
સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઓનલાઈન પોર્ટલ ડોર-ટુ-ડોર (ઘેર-ઘેર જઈને થતી) વસ્તી ગણતરીની કામગીરી શરૂ થવાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા ખોલવામાં આવશે. જે-તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નિર્ધારિત કરવામાં આવેલી તારીખો મુજબ નાગરિકોને વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
