Gandhinagar Smart Traffic Signal: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) દ્વારા એક ક્રાંતિકારી અને હાઇ-ટેક પહેલ કરવામાં આવી છે. શહેરના ભાઈજીપુરા બ્રિજથી PDEU અને ગિફ્ટ સિટીને જોડતા આઇકોનિક માર્ગ પર AI આધારિત અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. મેટ્રો બ્રિજ નીચે આવેલા હેપ્પીનેસ સર્કલ કે પંચમેશ્વર સર્કલ ખાતે કાર્યરત થયેલ આ સિસ્ટમ ગુજરાતની સૌપ્રથમ હાઈ-ટેક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ છે.
AI આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ
સામાન્ય રીતે સિગ્નલો ફિક્સ ટાઈમર પર ચાલતા હોય છે, જેને કારણે ટ્રાફિક ન હોવા છતાં વાહનચાલકોએ લાલ લાઈટ પર ઊભા રહેવું પડતું હોય છે. પરંતુ આ નવી AI સિસ્ટમ હાઈ-ટેક કેમેરા અને સેન્સર્સ દ્વારા વાહનોની લાઈવ સંખ્યાનું નિરીક્ષણ કરે છે. જે રસ્તા પર ટ્રાફિક વધુ હોય ત્યાં તે આપમેળે જ 'ગ્રીન લાઈટ'નો સમય વધારી દે છે અને ખાલી રસ્તા પર 'રેડ લાઈટ' કરી દે છે, જેનાથી નાગરિકોનો કિંમતી સમય બચશે અને ઈંધણનો બગાડ પણ અટકશે.
ઇમરજન્સી વાહનો માટે 'ગ્રીન કોરિડોર'
આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમની એક મોટી ખાસિયત એ છે કે તે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને દૂરથી ઓળખી લે છે. આવા વાહનો સિગ્નલ પર આવે ત્યારે સિસ્ટમ તેને પ્રાધાન્ય આપીને આપમેળે 'ગ્રીન કોરિડોર' પૂરો પાડે છે, જેથી કિંમતી જિંદગી બચાવવામાં સમયસર મદદ મળી રહે.
અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
- SWARCO ITC-3 કંટ્રોલર: આ રિયલ-ટાઇમમાં ટ્રાફિકનું વિશ્લેષણ કરી સિગ્નલ કંટ્રોલ કરે છે.
- LIR TrafiCam AI કેમેરા: ૨૪ અલગ-અલગ ઝોનમાં વાહનો અને રાહદારીઓની હિલચાલ પર આ કેમેરા સચોટ નજર રાખે છે.
- LED કેન્ટિલિવર પોલ્સ: રાજ્યમાં પહેલીવાર વપરાયેલા આ સ્પેશિયલ પોલ્સ રાત્રિના સમયે અને ખરાબ હવામાનમાં પણ દૂરથી સ્પષ્ટ દેખાય છે, જે અકસ્માત ઘટાડવામાં મદદરૂપ થશે.
પોલીસ વિના 24 કલાક કડક નિયમન
આ સિસ્ટમ માત્ર ટ્રાફિક હળવો જ નહીં કરે, પરંતુ ટ્રાફિક શિસ્ત જાળવવામાં પણ પાયારૂપ સાબિત થશે. જો કોઈ વાહનચાલક સિગ્નલ તોડશે કે નિયમ ભંગ કરશે, તો સ્માર્ટ કેમેરા તુરંત જ તેને ડિટેક્ટ કરી લેશે. વીડિયો આઉટપુટ કંટ્રોલ (VOC) ની મદદથી વાહન માલિકની ઓળખ કરી ઓટોમેટિક દંડનો મેમો સીધો જ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવશે. આ વ્યવસ્થાથી હવે પોલીસની ગેરહાજરીમાં પણ 24 કલાક સુરક્ષા અને ટ્રાફિક નિયમન શક્ય બનશે.
ટ્રાફિક વ્યવસ્થા બનશે વધુ કાર્યક્ષમ
આ સિસ્ટમ દ્વારા એકત્રિત કરવામાં આવતો ડેટા ગાંધીનગર મહાનગર પાલિકાને ભવિષ્યના ટ્રાફિક આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખૂબ જ મદદરૂપ થશે. ગાંધીનગર મનપાનું આ આધુનિક મોડલ આગામી સમયમાં શહેરના અન્ય વ્યસ્ત જંક્શન માટે પણ પથદર્શક બની રહેશે, અને સમગ્ર શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનશે.
