દહેગામ-રખિયાલ હાઈવે રક્તરંજિત બન્યો, પૂરપાટ કારે બાઈક સવાર દંપતિને અડફેટે લેતા કરુણ મોત

ગાંધીનગરમાં દહેગામ-રખિયાલ હાઈવે પર જોગણી માતાના મંદિર પાસે પૂરપાટ ઝડપથી આવતી કારે બાઈક ચાલક દંપતિને અડફેટે લીધા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 02 May 2026 10:25 AM (IST)Updated: Sat, 02 May 2026 10:25 AM (IST)
gandhinagar-news-dehgam-rakhial-highway-accident-couple-death-car-bike-collision

Gandhinagar News: ગાંધીનગરમાં દહેગામ-રખિયાલ હાઈવે પર જોગણી માતાના મંદિર પાસે પૂરપાટ ઝડપથી આવતી કારે બાઈક ચાલક દંપતિને અડફેટે લેતા કરુણ અકસ્માત સર્જ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં દંપતીનુ કરુણ મોત થયું હતુ. જેને લઈને દહેગામ પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ હાઇવે પર અકસ્માત

મળતી માહિતી મુજબ, દહેગામ-રખિયાલ હાઈવે પાસે અજાણી કારે દંપતિને અડફેટે લીધા હતા. વાસણા રાઠોડ ગામના રહેવાસી હરીભાઈ ડાભી પત્ની લલીતાબેન ડાભી સાથે સાંજે બાઈક એક પ્રસંગે હાજરી આપવા માટે જતા હતા. તે સમયે પૂરપાટ ઝડપથી આવી રહેલી ગાડીએ દંપતિને જોરથી ટક્કર મારી દીધી હતી. ટક્કરના લીધે બાઈક સવાર દંપતિ ઉછળીને રસ્તા પર પછડાઈ ગયું હતું.

દુર્ઘટનામાં દંપતિનું કરુણ મોત

હાઈવે પર દુર્ઘટના સર્જાતા બંને લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગચો હતો. આસપાસના લોકોએ બનાવની ગંભીરતાને ધ્યાને લેતા તાત્કાલિક 108 બોલાવી હતી. જોકે, ગંભીર રીતે ઈજાઓ થવાથી બાઈક સવાર હરીભાઈ ડાભીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે મરણ જનારના પત્નીને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આરોપી કારચાલક સામે ગુનો

ભોગ બનનાર દંપતિ પૈકી પત્નીનું પણ સિવિલમાં ટૂંકી સારવારમાં મોત થયું હતું. 108 દ્વારા મૃતક દંપતિના સંતાનોને જાણ કરતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાઈવે પર થયેલા કરુણ અકસ્માતમાં એક દંપતિએ જીવ ગુમાવી દીધો હતો. માટે દહેગામ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની સામે વધુ તપાસ હાથ ધરી છે.