ગુજરાત ચૂંટણી 2026 પરિણામ: ભાજપની ઐતિહાસિક જીત, પણ ગ્રામ્યમાં મોટી બેઠકો ગુમાવી; જાણો ભાજપની હારના કારણો શું?

ભાજપે ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકામાં ઐતિહાસિક જીત મેળવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 29 Apr 2026 12:06 PM (IST)Updated: Wed, 29 Apr 2026 12:38 PM (IST)
gujarat-local-body-election-2026-results-reasons-for-bjp-loss-in-rural-areas
HIGHLIGHTS
  • ગુજરાત ચૂંટણીમાં ભાજપ છવાયું
  • પણ ગ્રામ્યમાં મોટી બેઠકો ગુમાવી
  • જાણો ભાજપની હારના કારણો શું?

Gujarat Local Body Elections 2026 Results: વર્ષ 2026 ની ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં સ્પષ્ટ બે ભાગ જોવા મળી રહ્યા છે; જ્યાં શહેરી મતદારોએ ભાજપ પર કળશ ઢોળ્યો છે, ત્યાં ગ્રામીણ વિસ્તારોએ ભાજપની ચિંતા વધારી દીધી છે. ભાજપે તમામ 15 મહાનગરપાલિકામાં, જેમાં 7 નવી બનેલી મનપા પણ સામેલ છે, ઐતિહાસિક જીત મેળવી છે. પરંતુ બીજી તરફ, 12 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત ગુમાવી છે.

ગ્રામ્યમાં બેઠકો ગુમાવવા પાછળના કારણો શું?

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં થયેલી હાર માટે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ, ટીકીટ વહેંચણી, એન્ટી ઇન્કમ્બન્સી જેવા મુદ્દાઓને કારણભૂત માનવામાં આવે છે. તેમ છતાં ચૂંટણી પરિણામો આધારે કેટલાક વિશ્લેશણ સામે આવ્યા છે, જેના આધારે ભાજપના હારના કારણો જાણી શકાય છે.

ગ્રામીણ વિસ્તારોમાં ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, પાક નુકસાનીનું વળતર, મોંઘવારી, બેરોજગારી અને મનરેગા તેમજ 'નલ સે જળ' જેવી યોજનાઓમાં ભ્રષ્ટાચારના મુદ્દે મતદારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાના પ્રભાવ અને જમીન-પાણીના પ્રશ્નોને લીધે ભાજપને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

ગ્રામીણ-આદિવાસી વિસ્તારમાં AAP નો ઉદય

આ પરિસ્થિતિનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને (AAP) મળ્યો છે. આમ આદમી પાર્ટીએ ડેડીયાપાડા, વાલીયા, બગસરા, વિસાવદર અને છોટાઉદેપુર સહિત કુલ 12 તાલુકા પંચાયતો પર કબજો જમાવ્યો છે. આ ઉપરાંત, જિલ્લા પંચાયતમાં 44 અને તાલુકા પંચાયતમાં 300 થી વધુ સીટ પર AAP ઉમેદવારોએ ભાજપ પાસેથી જીત છીનવી છે.

આમ આદમી પાર્ટીએ જીતેલી 12 તાલુકા પંચાયત

ડેડીયાપાડા તાલુકા પંચાયત બગસરા તાલુકા પંચાયત વિસાવદર તાલુકા પંચાયત
ચીકદા તાલુકા પંચાયત લાલપુર તાલુકા પંચાયત સાગબારા તાલુકા પંચાયત
ગરુડેશ્વર તાલુકા પંચાયત જૂનાગઢ તાલુકા પંચાયત છોટાઉદેપુર તાલુકા પંચાયત
વાલીયા તાલુકા પંચાયત પોશીના તાલુકા પંચાયત કવાંટ તાલુકા પંચાયત

'નો-રિપિટ' થિયરી અને OBC અનામત

ભાજપની હાર પાછળ માત્ર એન્ટી ઇન્કમ્બન્સી જ નહિ, પણ ટિકિટ ફાળવણીના કડક નિયમો પણ જવાબદાર છે. ભાજપે "નો-રિપિટ" થિયરી અપનાવી 60 વર્ષથી વધુ ઉંમરના અને 3 ટર્મ પૂરી કરનારા 70 ટકા જૂના કોર્પોરેટરોની ટિકિટ કાપી હતી. આ સાથે પ્રથમ વખત અમલમાં આવેલા OBC અનામતના નવા ધોરણો અને સીમાંકનના કારણે વર્ષોથી વર્ચસ્વ જમાવીને બેઠેલા અનેક નેતાઓએ પોતાની બેઠક ગુમાવવી પડી, જેના સ્થાને આવેલા નવા ઉમેદવારોને જનતાએ સ્વીકાર્યા નહીં.

આંતરિક જૂથબંધી અને આયાતી ઉમેદવાર

બીજી તરફ, ચૂંટણી ટાણે જ પક્ષમાં સામેલ થયેલા અન્ય પક્ષના નેતા કે નિવૃત્ત અધિકારીઓને, જેમ કે અરવલ્લીમાં નિવૃત્ત IPS મનોજ નિનામા, ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ 'આયાતી' ઉમેદવારોને જનતાએ નકાર્યા હતા. ટિકિટ ન મળતા નારાજ થયેલા કાર્યકરોએ સમાંતર રીતે કામ કર્યું, અથવા અપક્ષોને ટેકો આપ્યો. જેના લીધે ભાજપના વોટ શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે.

2027 વિધાનસભા ચૂંટણી માટે ચેતવણી

આ ચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું છે કે વિપક્ષ તરીકે AAP એ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે, અને ભૂતકાળની જેમ મતોનું વિભાજન થવા દીધું નથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને શરમજનક હાર મળી છે. જોકે, અમરેલીના બગસરા-ધારી અને પોરબંદરની મોઢવાડા બેઠક પરની જીત એ AAP પક્ષના ગ્રાઉન્ડ વર્કની મજબૂતાઈ દર્શાવે છે. 

ભાજપની આ હાર કોઈ મોટી 'લહેર' નું પરિણામ નથી, પરંતુ સ્થાનિક ઉમેદવારોની પસંદગી અને આંતરિક જૂથબંધીનું પરિણામ છે. વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ પરિણામો એક સ્પષ્ટ ચેતવણી સમાન છે, જ્યાં પાયાના કાર્યકરો અને સ્થાનિક પ્રશ્નોને અવગણવા પાર્ટી માટે મુશ્કેલ બની શકે છે.