AMC Election 2026, Khadia Ward Congress won: વર્ષ 2026 ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં સૌથી મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા 70 વર્ષથી ભાજપના ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં પહેલીવાર કોંગ્રેસની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ચાર ઉમેદવાર મીના નાયક, બિરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલિયાસ પઠાણે ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું છે.
એક સમયનો સૌથી પ્રગતિશીલ વિસ્તાર "ખાડિયા"
ખાડિયા અમદાવાદનો એક વિસ્તાર છે, જે એક સમયે શહેરનો સૌથી પ્રગતિશીલ વિસ્તાર ગણાતો હતો. ખાડિયાની ફરતે સારંગપુર, રાયપુર, માણેકચોક અને કાલુપુર જેવા વિસ્તારો આવેલા છે. જોકે, શાસકીય રીતે ખાડિયા વોર્ડમાં રાયપુર અને સારંગપુરનો સંપૂર્ણપણે સમાવેશ થઈ જાય છે. કાલુપુર અને માણેકચોક ઉપરાંત આસ્ટોડિયાના પણ અમુક વિસ્તારોનો આ વોર્ડમાં સમાવેશ થાય છે.
ખાડિયાની બધી જ પોળોમાં જૂના મકાનો છે, જે તેમની કાષ્ટકલાને કારણે જોવાલાયક છે. ગુજરાત સરકારે જેઠાભાઈની પોળને હેરિટેજ એક્ટ હેઠળ મૂકીને પોળના જૂના કલાત્મક મકાન વેચવા ઉપર અંકુશ મૂક્યો છે. રાજ્યનું સૌથી જૂનું સાંઈ બાબાનું મંદિર અહીં આવેલું છે, જે 1965માં બનાવવામાં આવ્યું હતું. અહીં બાલા હનુમાનના મંદિરે ભક્તો ઉમટી પડે છે.
અમદાવદમાં ભાજપનું ઉદ્ભવ સ્થાન
રાજકારણમાં ખાડિયાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. જોકે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 42 વર્ષ બાદ ભાજપે આ બેઠક કોંગ્રેસ ઉમેદવાર ઇમરાન ખેડાવાલા સામે ગુમાવી હતી. ખાડિયા વિસ્તારમાં ત્રણ દાયકા સુધી ભાજપના અશોક ભટ્ટ અને સંસદમાં હરીન પાઠકનું વર્ચસ્વ રહ્યું હતું. વર્ષ 1980 માં ભાજપનું પહેલું ગુજરાત પ્રદેશ કાર્યાલય 'વસંત સ્મૃતિ' પણ આ જ વિસ્તારમાં શરૂ થયું હતું.
ખાડિયા એ વિસ્તાર છે જ્યાં 1924 માં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સૌથી પહેલાં ઘરે ઘરે પાણીના નળ નાખવામાં આવ્યા હતા. તે જ રીતે સૌથી પહેલી ગટરલાઈન પણ અહીં નાંખવામાં આવી હતી. આમ, પાણી-ગટરના મુદ્દાને લઈને અહીં ભાજપના શાસનનો ઉદ્ભવ થયો હતો. પરંતુ હવે સ્થાનિક પ્રશ્નોની અવગણનાને કારણે આ ઐતિહાસિક વિસ્તારમાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.
અભેદ ગઢમાં ભાજપ શા માટે હાર્યું?
જે પાણીની સમસ્યા દૂર કરવાને કારણે ખાડિયામાં ભાજપનો જન્મ થયો હતો, આજે એ જ વકરેલી પાણીની સમસ્યાએ ભાજપના હાથમાંથી ખાડિયા છીનવી લીધું છે. સ્થાનિકોની ફરિયાદ છે કે સવારે માત્ર બે કલાક પાણી આવે છે, જેમાં શરૂઆતની 30 મિનિટ અત્યંત દૂષિત પાણી હોય છે. આ ઉપરાંત, ગટરો ઉભરાવવાની અને કોટ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાથી પણ લોકો પરેશાન હતા, જેનો ભાજપના કોર્પોરેટરો ઉકેલ લાવી શક્યા ન હતા.
કયા મુદ્દા પર સ્થાનિકોએ મત બદલ્યો?
ખાડિયામાં ભાજપે વિકાસના નામે મત માંગ્યા હતા, જ્યારે વિપક્ષે હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ થતા કોમર્શિયલ બાંધકામને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. 'ખાડિયા બચાવો આંદોલન' ચલાવતા આગેવાને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર જેવા દિગ્ગજોને મનાવવા મોકલવા છતાં સમાધાન નિષ્ફળ રહ્યું હતું. કોમર્શિયલ બાંધકામોને કારણે ઐતિહાસિક પોળો પોતાની અસલ ઓળખ ગુમાવી રહી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ હતો.
મતદારોનું સ્થળાંતર બન્યું હારનું કારણ?
ખાડિયામાં વસતા મૂળ અમદાવાદી પરિવારો કે જે ભાજપની પરંપરાગત વોટબેંક હતા, તેઓ પ્રાથમિક સમસ્યાઓ અને પરિવારો મોટા થવાના કારણે અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે. SIR બાદ અંદાજે 25 હજાર જેટલા મતદારોના નામ કમી થયા, જેને ભાજપની હારનું એક મોટું અને નિર્ણાયક કારણ માનવામાં આવે છે.
