Census-2027: આજથી ગુજરાતમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ, હાઉસ લિસ્ટીંગ ઓપરેશન હાથ ધરાશે

દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી જનગણના કરવામાં આવી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 31 May 2026 03:38 PM (IST)Updated: Mon, 01 Jun 2026 08:22 AM (IST)
gujarat-digital-census-2027-phase-1-starts-june-1-house-listing-operation
HIGHLIGHTS
  • 1 જૂનથી ડિજિટલ 'વસ્તી ગણતરી-2027' શરૂ
  • ફેબ્રુઆરી, 2027 માં બીજો તબ્બકો હાથ ધરાશે

India Census-2027: આજે 1 જૂન, સોમવારથી ગુજરાત સહિત દેશભરમાં 'વસ્તી ગણતરી, જનગણના-2027' પ્રથમ તબ્બકાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આઝાદી પછીની 8મી અને કુલ 16મી જનગણના હશે, જે ઇતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. 'જનગણનાથી જન કલ્યાણ' મંત્ર સાથે શરૂ થઈ રહેલા આ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી થવા માટે વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે.

વસ્તી ગણતરીના બે મુખ્ય તબક્કા

વસ્તી ગણતરીની આ કામગીરી બે તબક્કામાં વહેંચવામાં આવી છે:

  • પ્રથમ તબક્કો (1 જૂનથી 30 જૂન, 2026)

આ તબક્કામાં ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) એટલે House Listing Operation કરવામાં આવશે. ગણતરીદારો ઘરે-ઘરે જઈને આવાસની સ્થિતિ, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા, કુટુંબની વિગતો અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછશે.

  • બીજો તબક્કો (9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027)

આ તબક્કા દરમિયાન વસ્તીની ગણતરી (PE) કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિ ગણતરી પણ પૂર્ણ કરવામાં આવશે.

ભારે ઉત્સાહ સાથે સ્વ-ગણતરી પૂર્ણ

આ વખતની જનગણનામાં નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે સ્વ-ગણતરીનો વિશેષ વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા 17 મે થી 31 મે, 2026 સુધી ચાલી હતી. ગુજરાતમાં 30 મે સુધીમાં કુલ 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી માટે ફોર્મ ભર્યું છે. જેમાંથી 3.30 લાખની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, અને 44 હજાર ફોર્મ પ્રક્રિયામાં છે. આ સ્વ-ગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ ફોર્મ ભરીને ભાગ લીધો છે.

ટેકનોલોજી અને વિશાળ માનવબળ

આ સંપૂર્ણ ડિજિટલ જનગણના માટે એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત કુલ 16 ભાષાઓમાં અને ઓફલાઇન ડેટા એકત્રિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વિશાળ અભિયાનને પાર પાડવા માટે રાજ્યભરમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs) બનાવવામાં આવ્યા છે. જેમાં 1,09,038 ગણતરીદાર અને 18,254 સુપરવાઇઝર ફરજ બજાવશે, જેમને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી છે.

માહિતીની ગુપ્તતાની જોગવાઈઓ

જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990 મુજબ નાગરિકો દ્વારા આપવામાં આવતી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ કોઈપણ કાનૂની કે કરવેરાના હેતુઓ માટે થઈ શકશે નહીં.

જોકે, કાયદા અનુસાર દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી ફરજિયાત છે, અને માહિતી આપવાનો ઇનકાર કરવા પર દંડની જોગવાઈ પણ છે. કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પૂછપરછ માટે નાગરિકો ભારત સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અથવા અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in નો સંપર્ક કરી શકે છે.